નવી દિલ્હીઃ ભારતીય સૈન્યના જવાનોના કદમતાલથી ઉત્પન્ન થનારી એનર્જીને એક વિશેષ પ્રકારના જૂતા વિજળીમાં પરિવર્તિત કરાશે. આઇઆઇટી-દિલ્હીના વિજ્ઞાનીઓએ આ માટે ખાસ પ્રકારની ટેક્નિક વિકસાવવામાં સફળતા મેળવી છે. આ માટે ટૂંક સમયમાં ખાસ પ્રકારના જૂતા સૈન્યને આપવામાં આવશે, જેથી સરહદ અથવા જંગલોની સુરક્ષા દરમિયાન તૈયાર થયેલી વિજળીનો ઉપયોગ કરી શકાય. આઇઆઇટી દિલ્હીના સિવિલ અને ઇલેક્ટ્રિકલ વિભાગના વિજ્ઞાનીઓ અને પ્રોફેસર સુરશ ભલ્લાની ઉપસ્થિતિમાં પીએચડી સ્કોલર અભિષેકે જણાવ્યું હતું કે આમાં પિજો-ઇલેક્ટ્રિકલ એનર્જી હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરાયો છે, જેને શૂ એનર્જી હાર્વેસ્ટિંગ નામ આપવામાં આવ્યું છે. આ માટે તેણે એનર્જી હાર્વેસ્ટર સેન્સર બનાવ્યું છે જે જૂતાની અંદર ફિટ થશે. તેની સાથે શૂ કેપેસિટર પણ લગાવાયું હશે. જેનાથી પગના પંજા અને એડી ચાલતી વખતે જમીનની સાથે ટકરાશે. સેન્સર તેને એનર્જીમાં બદલતાં કેપેસિટરમાં એકઠી કરી વિજળી બનાવશે.