કોલકતાઃ ઘરમાં અભાવ, પરંતુ અદમ્ય ઇચ્છાશક્તિ અને સમર્પણનું ઉદાહરણ જોવું હોય તો મળો જગન્નાથને. આદિવાસી પરિવારના જગન્નાથે પોતાના પગ વડે લખીને પ્રાથમિક શિક્ષણની રેખા પાર કરી છે. શિક્ષક બનવાનું સપનું જોતો જગન્નાથ કહે છે, ‘મારા જેવા લોકો માટે હું શિક્ષક બનવા માંગુ છું.’ અભ્યાસ ઉપરાંત તેને ફૂટબોલ રમવાનો શોખ છે અને તેનો ફેવરિટ ખેલાડી લાયોનલ મેસ્સી છે.
જન્મસમયથી જ તેના બંને હાથ ન હોવાથી પરિવારે તેનું નામ જગન્નાથ રાખ્યું હતું. ગરીબી અને દુર્ભાગ્યનો જાણે કે કાયમી સંગાથ રહ્યો છે. જગન્નાથને જન્મ પછી તરત જ માતાએ તરછોડી દીધો. પિતા પણ બીજે રહે છે. જગન્નાથને તેના વૃદ્ધ દાદા-દાદીએ ઉછેર્યો, જયાં ફોઇ તેની સંભાળ રાખતી હતી.
જગન્નાથનો જન્મ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં દુર્ગાપુર ગ્રામ પંચાયતના શિમલા ગામે થયો હતો. જન્મથી જ વિકલાંગ. જોકે, જગન્નાથને દાદા-દાદી અને ફોઇ નાનપણથી જ નાની નાની વાતો શીખવતા રહેતા હતા. જગન્નાથ બાળપણથી જ શિક્ષક બનવા માંગતો હતો. મર્યાદિત સંસાધનો છતાં જગન્નાથને શિક્ષણ મેળવવા માટે ગામની પ્રાથમિક શાળામાં દાખલ કરાયો. જગન્નાથે પગ વડે લખવાનું શરૂ કર્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જગન્નાથ પગ વડે લખવામાં નિપુણ બન્યો. એક પછી એક પરીક્ષા પાસ કરતો ગયો અને આજે તેણે પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની એટલે ધોરણ દસની પરીક્ષા પાસ કરી છે.
શિમલા આદિવાસી ક્ષેત્રમાંથી જગન્નાથ એક માત્ર વિદ્યાર્થી હતો જેણે માધ્યમિક પરીક્ષા આપી હતી. જગન્નાથને પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષકોએ પણ શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. 26 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ જગન્નાથ મંડીના ચહેરા પર સફળતાનું સ્મિત હતું. ગામની મહિલા સાંબરી સરન કહે છે, ‘જે છોકરાને હાથ નથી, તેણે પગથી લખીને જીવનની પહેલી મોટી પરીક્ષા પાસ કરી છે... અમે ખૂબ જ ખુશ છીએ. જો જગન્નાથને સરકારી મદદ મળશે તો તેના અભ્યાસમાં બહુ મદદરૂપ થશે.