સિમલાઃ હિમાચલ પ્રદેશમાં સિમલાથી ૩૦ કિ.મી. દૂર હલોગ ધામી ગામમાં દર વર્ષે દિવાળીના બીજા દિવસે (બેસતા વર્ષના દિવસે) પરંપરાગત રીતે પથ્થર મેળો ભરાય છે. પથ્થરનો એવો અજીબ ખેલ કે જેમાં લોહી ન વહેવા લાગે ત્યાં સુધી પથ્થરમારો અટકતો નથી. ૮મી નવેમ્બરે આ મેળામાં હજારો લોકો ઊમટ્યાં. ધામી રજવાડાના રાજા જગદીપ સિંહ પહોંચતાં જ બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. અડધા કલાક સુધી ચાલેલા પથ્થરમારા બાદ જમોગી ગામના સુરેશને માથામાં પથ્થર વાગ્યો અને તેના લોહીથી મા ભદ્રકાળીનો અભિષેક કરાયો. મેળામાં પથ્થર વાગવો શુકન ગણાય છે. ધામી ગામમાં ભરાતો આ મેળો પ્રસિદ્ધ છે. જે જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
નરબલિ બાદ પશુબલિ, હવે પથ્થરમારો
પહેલા અહીં દર વર્ષે નરબલિ ચડાવાતો હતો. રાજાના મૃત્યુ બાદ રાણી સતી થઈ ગઈ. મરતી વખતે રાણીએ અહીં નરબલિ બંધ કરાવી દીધો. ત્યાર બાદ પશુબલિ શરૂ થયો. પછી તે પણ બંધ કરી દેવાયો. પછી પથ્થર મેળો શરૂ કરાયો છે.
પથ્થરમારા માટે બે ટોળાં જ માન્ય
એક તરફ રાજવી પરિવારનું ટોળું અને બીજી તરફ જમોગી ખાનદાનના ટોળાના સભ્યો જ પથ્થરમારામાં ભાગ લઈ શકે છે. અન્ય લોકો માત્ર મેળો જોઈ શકે છે. રાજવી પરિવારના નરસિંહના પૂજન સાતે મેળાની શરૂઆત થાય છે.