વેલિંગ્ટન: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ પક્ષીનું પીંછુ સોના જેટલું મૂલ્યવાન હોઇ શકે છે? સોશિયલ મીડિયામાં આજકાલ આવા જ એક પીંછાની ચર્ચા ચાલી રહી છે. ન્યૂ ઝિલેન્ડમાં હાલમાં એક પક્ષીના પીંછાની હરાજી થતાં 23 લાખ રૂપિયા ઉપજ્યા હતા. આ રિપોર્ટ અનુસાર, 9 ગ્રામ વજન ધરાવતા હુઈયા પક્ષીના પીંછાની કિંમત સોના કરતાં પણ વધારે ઉપજી છે. ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 72,000 છે. આ હિસાબથી જોઇએ તો પીંછાની કિંમત 320 ગ્રામ સોના બરાબર થઈ કહેવાય.
પરંતુ એક પક્ષીનાં પીંછાની આટલી ઊંચી કિંમત?! આ ઊંચી કિંમત પાછળ ન્યૂ ઝિલેન્ડના માઓરી સમાજના લોકોની માન્યતા છે. તેઓ આ પક્ષીને ખૂબ જ પવિત્ર માને છે. માઓરી સમાજના પ્રમુખ આ નાનકડા પક્ષીના પીંછા વડે તેમની ટોપીને સજાવતા હતા. આ ઉપરાંત માનવંતા મહેમાનોને તે ભેટમાં પણ આપવામાં આવતું હતું. શરૂઆતમાં આ પીંછાના ઓક્શનની બેઝ પ્રાઇઝ 3,000 ડોલર રાખવામાં આવી હતી. જોકે ઓક્શન આગળ વધતું ગયું તેમ તેમ બોલીનો આંકડો પણ વધતો ગયો અને આખરે પીંછું પાછલા તમામ રેકોર્ડ તોડીને બેઝ પ્રાઇઝથી 450 ટકા ઊંચી કિંમતે 28,417 ડોલર એટલે કે, 23 લાખ 66 હજાર રૂપિયામાં વેંચાયું હતું. ન્યૂ ઝિલેન્ડના મ્યુઝિયમના જણાવ્યા અનુસાર, પક્ષીવિદોના મતે લુપ્ત થયેલું મનાતું હુઈયા પક્ષી છેલ્લી વખત 1907માં જોવા મળ્યું હતું. આ ઓક્શનમાં વેચવામાં આવેલા પીંછાને લગભગ 100 વર્ષથી વધારે જૂનું માનવામાં આવી રહ્યું છે.