પટણાઃ બિહારની રોહતાસ જિલ્લાની એક નીચલી કોર્ટે ભગવાન હનુમાનને રસ્તા પરના મંદિરના મામલે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે! સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે રોહતાસના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) દ્વારા કરવામાં આવેલી અરજીની ૧૭ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી હતી. આ પછી કોર્ટે હનુમાનજીને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. કોર્ટનો આદેશ રોહતાસ જિલ્લાના દેહરી-ઓન-સોણમાં હનુમાનજીની મૂર્તિ પર ચોંટાડાયો હતો.
પીડબલ્યુડીએ ફરિયાદ કરી છે કે પંચમુખી હનુમાન મંદિરને કારણે રસ્તાના ટ્રાફિકમાં ભારે અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. બજરંગ દળ અને ભાજપના સ્થાનિક કાર્યકરોએ કોર્ટની આ નોટિસનો વિરોધ કરીને તે પાછી ખેંચી લેવા માટે માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે પહેલી ફેબ્રુઆરીએ એક વકીલે ભગવાન રામ અને લક્ષ્મણ સામે સીતામઢી જિલ્લામાં ફરિયાદ નોંધાવી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાસ બિહારીએ આ અરજી ફગાવી દીધી હતી.