દેહરાદૂનઃ આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા નથી. ઉત્તરાખંડના જનપદ ચમોલી જિલ્લાના દ્રોણાગીરી ગામના લોકો આજકાલના નહીં, સદીઓથી હનુમાનજીની પૂજા કરતા નથી. એટલું જ નહીં, ૧૪ હજાર ફૂટની ઊંચાઇ પર આવેલા આ ગામમાં કેસરી રંગની ધજા પણ ફરકાવવાની પણ મનાઇ છે. દ્રોણાગીરી ગામના લોકો અને હનુમાનજી વચ્ચેના રિસામણાના મૂળ રામાયણમાં પડયા છે.
આ ગામના લોકો માને છે કે રાવણના પુત્ર મેઘનાદ સાથેના યુદ્ધમાં 'વીરઘાતિની' નામના શસ્ત્રથી લક્ષ્મણને મુર્છા આવી હતી. આ મુર્છા તોડવા માટે ઉપયોગી એવી થોડીક જડીબુટ્ટીઓ શોધવા નીકળેલા હનુમાનજીને આ ગામના એક પહાડ પરથી મળી હતી. જોકે હનુમાનજી જડીબુટ્ટીઓ લઇ જવાના બદલે ગામમાંથી આખો પર્વત જ ઉપાડી ગયા હતા. હનુમાનજી જે પર્વત ઉપાડી ગયેલા તે પર્વતને દ્રોણાગીરીવાસીઓ પવિત્ર માનીને પૂજા કરતા હોવાથી તેઓ નારાજ થયા હતા. આથી જ તો આજે પણ ગામમાં હનુમાનજીનું એક પણ મંદિર નથી. નવાઇની વાત તો એ છે કે ગામના લોકો હનુમાન ચાલીસા પણ જાણતા નથી.
રામાયણ રચાયાને તો સદીઓ વીતી ગઇ છે, પરંતુ દ્રોણાગીરી ગામના લોકોની આ માન્યતા બદલાઇ નથી. ગામના વડીલો માને છે કે હનુમાનજી ઔષધિ લેવા માટે આવ્યા ત્યારે ગામની એક વૃદ્ધ મહિલાએ દ્રોણાગીરી પર્વત પરની ઔષધિઓ દેખાડી હતી. ત્યાર બાદ હનુમાનજી તોડફોડ કરીને પર્વતનો એક ભાગ ઉપાડીને લંકા લઇ ગયા હતા. આથી પર્વત દેવતા લોહીલુહાણ થઇ ગયા હતા. આથી જ તો દ્રોણાગીરી ગામના લોકો હનુમાનજીના સ્થાને પર્વતદેવને પૂજે છે.
ગામની વૃદ્ધ મહિલાએ હનુમાનજીને પર્વતનો રસ્તો દેખાડયો હોવાથી આ પર્વત પૂજામાં મહિલાઓ ભાગ લેતી નથી. એટલું જ નહીં, વર્ષમાં એક વાર ગામના પુરુષો મહિલાઓના હાથે રાંધેલું ભોજન પણ જમતા નથી.