પૂણેઃ માનવશરીર ઘરડું થાય છે, પરંતુ હૈયે હામ હોય અને જુસ્સો બુલંદ હોય તો ઇચ્છાશક્તિ ક્યારેય ઘરડી થતી નથી. આ વાત અમેરિકાના ટેક્સાસના ક્રિસ્કો ગામમાં રહેતા ભારતીય રામલિંગમ્ સરમાએ સાચી સાબિત કરી છે. ૧૨ વર્ષોથી તે સુંદરકાંડનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ કરી રહ્યા હતા, જે તેમણે પોતાના ૧૦૦મા જન્મદિવસે પૂરું કર્યું. તેમની અદમ્ય ઇચ્છા હતી અંતિમ શ્વાસ લેતાં પૂર્વે સુંદરકાંડનો અંગ્રેજી અનુવાદ લોકો સમક્ષ મૂકવો. અને તેમણે પોતાની જાતને આપેલું વચન સાર્થક કરી બતાવ્યું છે. તેઓ પુસ્તકનું વેચાણ નહીં કરે, પરંતુ ગ્રંથાલયો અને સંસ્કૃતના સંશોધકોને મફતમાં પુસ્તક ભેટ કરશે. રામલિંગમ્ કહે છે કે કોઈની મદદ લીધા વગર ૬૫ વર્ષ પહેલાં વિચારેલી વાતને જીવનની અંતિમ ક્ષણોમાં વાસ્તવિક કરી બતાવી છે.
તેઓ કહે છે કે બાળપણમાં દાદા અને માતા સુંદરકાંડનો પાઠ કરતાં હતાં ત્યારે પાઠનો અર્થ સમજાતો નહોતો, પરંતુ સાંભળવું ગમતું હતું. કોલેજ પૂરી કરીને બેંગ્લોરમાં હિન્દુસ્તાન એરોનોટિકલમાં પ્રવેશ મેળવ્યો. સુંદરકાંડના પાઠ છૂટી ગયા. નોકરીમાં ૩૨ વર્ષ થઈ ગયા. ૩૫ વર્ષની ઉંમરે તમિલમાં સુંદરકાંડ વાંચવાની તક મળી. હું તેનાથી બહુ પ્રભાવિત થયો. સૈકાઓ પહેલાં સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથને વાંચવાનું નક્કી કર્યું, પરંતુ મને સંસ્કૃત આવડતું નહોતું અને શીખવાનો સમય પણ ન મળ્યો. આ કારણે તે સમયે સુંદરકાંડ સંસ્કૃતમાં શીખી શક્યો નહીં.
જોકે નિવૃત્ત થયા પછી પણ કેટલાક પ્રોજેક્ટ પૂરા કરવામાં વર્ષો પસાર થયા. રામલિંગમ કહે છે કે ભારતમાં પત્ની સાથે રહેતો હતો, પરંતુ તેનાં મૃત્યુ પછી દીકરાએ અમેરિકા બોલાવી લીધો. હું યુએસ જઇને સ્થાયી થયો. અત્યારે ટેક્સાસના ક્રિસ્કો ગામમાં વસવાટ કરું છું. ૮૦ વર્ષનો હતો ત્યારે એક દિવસ ઘરમાં બેઠાં બેઠાં બાળપણના દિવસોમાં ખોવાઈ ગયો. દાદા અને માતાએ સંભળાવેલા સુંદરકાંડના પાઠ યાદ આવી ગયા. મને યાદ આવ્યું કે સંસ્કૃતમાં સુંદરકાંડ વાંચવાનું નક્કી કર્યું હતું. તે દિવસે લાગ્યું કે સામાન્ય દિવસ વિતાવવા કરતાં સારું કે અધૂરું કામ પૂરું કરું, જે ૬૫ વર્ષ પહેલાં વિચાર્યું હતું.
તેઓ વાતને આગળ વધારતા કહે છે કે સંસ્કૃત શીખવાનો નિર્ધાર કર્યો. જોકે સંસ્કૃત શીખવનારું કોઈ મળ્યું નહીં એટલે ઇન્ટરનેટની મદદથી જાતે સંસ્કૃત શીખ્યો. સંસ્કૃત શીખવા અને સુંદરકાંડ વાંચવામાં આઠ વર્ષ વીતી ગયાં. મને લાગ્યું કે સમાજ માટે તેનું અધ્યયન કરવું જરૂરી છે. તો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું વિચાર્યું. ૮૮ વર્ષની વયે ટાઇપિંગ સ્કૂલમાં એડમિશન લીધું. મારી સ્કૂલમાં હું સૌથી વૃદ્ધ વિદ્યાર્થી હતો. ક્યારેક દીકરો તો ક્યારેક પૌત્ર સ્કૂલ મૂકવા આવતા હતા. બે દિવસ સ્કૂલમાં અને પાંચ દિવસ ઘરે પ્રેક્ટિસસ કરતો હતો. ભાષા પર થોડીક પકડ આવતા અનુવાદ શરૂ કર્યો. ૧૨ વર્ષ સુધી અનુવાદ કરતો રહ્યો. આ વર્ષે ૬ ફેબ્રુઆરીએ ૧૦૦ વર્ષનો થયો. આ પુસ્તકનું વિમોચન કરીને મારા જન્મદિનની
ઉજવણી કરી.
રામલિંગમ્ આ ઉંમરે પણ આઇપેડ પર ચાર કલાક વાંચન કરે છે. તેઓ કહે છે કે આજની ભાગદોડવાળી જિંદગીમાં નવી પેઢી વ્યસ્ત થઈ ગઈ છે. પોતાનાં પુરાણો-ગ્રંથોથી દૂર થઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે તે વાંચે, અભ્યાસ કરે અને જીવનમાં આદર્શ સ્થાપિત કરવાના ગુણ શીખે. સુંદરકાંડનો અભ્યાસ કરીને અંગ્રેજીમાં બે ભાગમાં વિભાજિત કરીને પ્રકાશિત કર્યું છે. બન્ને ભાગમાં ૬૫૦ પેજ છે. પુસ્તકમાં શ્લોક સંસ્કૃત અને રોમન બન્ને ભાષામાં લખ્યા છે. મહત્ત્વના શબ્દોને અને અંતે શ્લોકના અર્થને પણ અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે.