હોટેલ આપે છે ‘રિલેશનશિપ ગેરંટી’ઃ છૂટાછેડા થાય તો પૈસા પરત

Wednesday 12th April 2017 06:56 EDT
 
 

સ્ટોકહોમઃ સ્વિડનની એક જાણીતી હોટેલ ચેઇને મેરિડ કપલ્સ માટે 'રિલેશનશિપ ગેરંટી' ઓફર શરૂ કરી છે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. ઓફર અંતર્ગત દેશભરમાં ફેલાયેલી ગ્રૂપની હોટેલ્સમાં રોકાયા બાદ એક વર્ષમાં જો યુગલના છૂટાછેડા થઇ જાય તો હોટેલ પૂરા પૈસા રિફંડ આપશે.
કન્ટ્રીસાઇડ હોટેલની આ ઓફરથી કેટલાક લોકો હેરાન છે તો કેટલાક સવાલ ઊઠાવી રહ્યા છે કે શું હોટેલ ખરેખર આટલી મોંઘી ઓફર આપી શકે છે? હોટેલના માર્કેટિંગ ઓફિસર અન્ના મેડસનના કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે કપલ્સ દેશભરમાં ફેલાયેલી અમારી હોટેલ્સ કે મેન્શન્સમાં થોડો સમય વીતાવે અને જુએ કે રૂટીનમાંથી બહાર આવીને એકબીજાને સમય આપવો સંબંધો માટે કેટલો ફાયદાકારક હોય છે. અમારી ઇચ્છા વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડવાની છે, જેથી તેઓ સમજે કે રિલેશનશિપમાં ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે. સંબંધો સૌને પ્રભાવિત કરે છે અને અમુક સંબંધ તો સૌથી વિશેષ હોય છે. કેટલાક લોકો આ વાત સમજે છે. જે લોકો નથી સમજતા તેમના માટે અમે પહેલ કરી છે. એકંદરે આઇડિયા એવો છે કે કપલ અમારે ત્યાં વીકેન્ડ ગાળે અને એકબીજાને સમય આપે, જેથી તેમની વચ્ચે અલગતાની
જરા પણ સંભાવના હોય તો ખતમ થઇ જાય. તેથી અમે ઓફરનું નામ ‘રિલેશનશિપ ગેરંટી’ રાખ્યું છે.
હોટેલની માલિક પેટ્રા જેનસન જણાવે છે કે અમને નાણાંની ચિંતા નથી. સંબંધોની ગૂંચવણો દૂર કરવા માટે ઓફર કારગત સાબિત થઇ શકે છે. ઓફર માટે કપલ મેરિડ હોય તે જરૂરી છે. સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે અને એક રૂમમાં રોકાવું પડશે. જો છૂટાછેડા થાય તો પુરાવા તરીકે કોર્ટ પેપર્સ રજૂ કરવા પડશે.
૧ વર્ષમાં ૨૫ હજાર ડિવોર્સ
સ્વિડનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ મુજબ માત્ર ૨૦૧૫માં દેશભરમાં ૨૪,૮૭૬ ડિવોર્સ થયા છે. હોટેલ મેનેજમેન્ટને આશા છે કે અમારી આ પહેલથી ડિવોર્સના આંકડામાં થોડો ઘટાડો તો જરૂર થશે. ૧૯૩૮થી શરૂ થયેલી હોટેલની દેશભરમાં ૪૦ બ્રાન્ચ અને મેન્શન્સ છે. ઓફર બધે લાગુ રહેશે. સ્કીમથી થનારા ફાયદા જણાવવા હોટલે એક ટીમ પણ તૈયાર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter