નવી દિલ્હીઃ કોનોટ પ્લેસની એક ઈમારતના હોલમાં એન્ટીક ચીજવસ્તુઓ એકત્ર કરવાના શોખીન આદિત્ય વીજ તેમના જૂના ટાઈપરાઈટર, કેમેરા, લેન્ડલાઈન ફોન, ગ્રામોફોન રેકોર્ડ્સ વચ્ચે પલાંઠી મારીને બેઠા છે. તેમને ઘેરીને બેઠેલા ૫-૬ લોકો તેમની વાર્તા રસપૂર્વક સાંભળી રહ્યા છે. હોલમાં બીજા ત્રણ ગોળ ટેબલ છે. તેના પર રોવર, હિમાલયન કન્ઝર્વેશનિસ્ટ અને નશીલા પદાર્થોની લતમાંથી છૂટકારો મેળવવામાં સફળ એક વ્યક્તિ બેઠી છે. આ ત્રણેય વ્યક્તિ પણ પોતાના અનુભવ તેમની સામે બેઠેલી વ્યક્તિઓ સાથે શેર કરી રહી છે. આ જ હોલના એક અન્ય ખૂણામાં પાંચ-છ લોકોથી ઘેરાયેલા લક્ષ્મણ રાવ નામના મહાશય ચાની કિટલી ચલાવતાં ચલાવતાં કઇ રીતે એક ડઝન પુસ્તકો લખી શક્યા છે તેની અનુભવ કથા વર્ણવી રહ્યા છે.
આ દૃશ્ય છે દિલ્હીમાં રવિવારથી શરૂ થયેલી પહેલી હ્યુમન લાઈબ્રેરીનું. તેમાં આદિત્ય કે લક્ષ્મણ જેવા ૧૧ હરતા-ફરતા માનવ પુસ્તકો હતાં, અને લોકો તેને પોતાની રસરુચી અનુસાર ‘વાંચી’ (કહો કે સાંભળી) રહ્યા હતા. આ કન્સેપ્ટ અંતર્ગત ‘પુસ્તક’ (જીવંત વ્યક્તિ) પોતાના અનુભવ અને રસપ્રદ કિસ્સા ‘વાચક’ સમક્ષ શેર કરે છે. અને કોઇ ‘વાચક’ પ્રશ્ન પૂછે તો તેને જવાબ આપવા પણ પ્રયાસ કરે છે.
કેટલાંક માનવ પુસ્તકો બંધ કેબિનમાં અને કેટલાંક હોલમાં અલગ અલગ જૂથોમાં કિસ્સા સંભળાવી રહ્યાં હતાં. હ્યુમન લાઈબ્રેરીના આયોજક જૂથના સભ્ય નિષ્કર્ષ કૌશિકે જણાવ્યું કે અમે લાઈબ્રેરીમાં આવવા માટે ફેસબુકથી રજિસ્ટ્રેશન કર્યું. આશા હતી કે ૬૦૦-૭૦૦ લોકો આવશે, પરંતુ આવી ગયા ૧૧૦૦થી વધુ લોકો. આ કારણસર અમારે અનેક લોકોને પાછા મોકલવા પડ્યા હતા.
‘વાંચન’ માટે ૨૦ મિનિટ
લાઈબ્રેરીમાં આવેલા દરેક રજિસ્ટર્ડ વાચકો પાસે કોઈ એક ‘પુસ્તક’ સાથે સમય પસાર કરવા માટે ૨૦ મિનિટ હતી. દરેક 'માનવપુસ્તક'ને તેના કથાવસ્તુ (અનુભવ કે નિપુણતા)ના આધારે નામ પણ અપાયું હતું. ‘રાઈટિંગ્સ ઓન બ્લેકબોર્ડ’ નામના આવા એક પુસ્તકે જણાવ્યું કે તે કેવી રીતે આઠમા ધોરણમાં અભ્યાસમાં ત્રણ બસ બદલીને ગંધર્વ વિદ્યાલય સંગીત શીખવા જતું હતું.
દરેક પુસ્તકને અલગ નામ
હ્યુમન લાઈબ્રેરીના દરેક પુસ્તકને તેની વાર્તા મુજબ નામ અપાયું હતું. જેમ કે ડ્રગ્સની લતમાંથી બહાર આવનાર વ્યક્તિ એટલે કે માનવ પુસ્તકનું નામ ‘અનધર હાઈ’ હતું. ચાની કિટલી ચલાવતા લેખક મહાશય લક્ષ્મણ રાવનું નામ ‘ટી લીવ્સ એન્ડ બુક’ અને આદિત્યનું નામ ‘ધ આર્ટિફેક્ટ હંટર’ હતું. આ રીતે ‘કેન્સર સર્વાઈવર’, ‘રોવર’, ‘બી નોટ વિક્ટિમ બટ ફાઈટર’ જેવાં માનવ પુસ્તકો પણ લાઈબ્રેરીમાં હતા. સૌથી નાની વયના ૨૨ વર્ષીય માનવ પુસ્તક હતું ‘રાઈટિંગ્સ ઓન બ્લેકબોર્ડ’.
મૂળ ડેન્માર્કનો કન્સેપ્ટ
વિશ્વમાં પહેલી હ્યુમન લાઈબ્રેરી ડેન્માર્કમાં ખૂલી હતી. અત્યારે ૮૦ દેશોમાં આ કન્સેપ્ટ કાર્યરત છે. ભારતમાં ગયા વર્ષે આઈઆઈએમ-ઈન્દોરમાં પહેલી હ્યુમન લાઈબ્રેરીનો પ્રારંભ થયો. આ પછી મુંબઈ, સુરત, હૈદરાબાદમાં પણ. દિલ્હીમાં પાંચમી હ્યુમન લાઈબ્રેરી ખૂલી છે.