કોલકતા: પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ તાલુકાના બેનિયાપુકુર ગામે એક અનોખો લગ્નસમારોહ યોજાઇ ગયો. આ લગ્નમાં ૧૦૦ વર્ષના વિશ્વનાથ સરકાર જાન લઇને લગ્નમંડપે પહોંચ્યા હતા અને ૯૦ વર્ષનાં સુરોધવાણી સરકાર સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા અને છ સંતાનો તથા ૩૩ પૌત્ર-પૌત્રીઓ પણ લગ્નમાં મહાલ્યા હતા. આમ આ દાદા-દાદીના લગ્નમાં આખો પરિવાર સામેલ થયો હતો.
વાત એમ હતી કે વિશ્વનાથ સરકારનો ૧૦૦મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો. તેમના સંતાનો અને પૌત્ર-પૌત્રીઓએ વિચાર્યું કે દાદાના ૧૦૦મા જન્મદિવસની ઉજવણી યાદગાર બની રહે તે રીતે થવી જોઇએ. આ માટે લગ્ન સમારોહનું આયોજન થયું અને પરિવાર ઉપરાંત કુટુંબીજનોને પણ આમંત્રણ અપાયું હતું.
દાદીના પિયરના ગામ બામુનિયામાં લગ્નમંડપ રચાયો હતો. દાદીના પરિવારજનો અને ગામવાસીઓએ લગ્નની ધામધૂમથી વ્યવસ્થા કરી હતી. ૩૩ પૌત્ર-પૌત્રીઓના પણ દાદા-દાદીના પક્ષે બે ભાગ પડયા હતા. બધી જ પૌત્રીઓ દાદાના પક્ષે રહી હતી. તો બધા પૌત્રો દાદીની સાથે કન્યાપક્ષે રહ્યા હતા. નજીકના ગામ બેનિયાપુકુરમાંથી દાદા શાનદાર બગી (શણગારેલી ઘોડાગાડી)માં સવાર થઈને બામુનિયા પહોંચ્યા હતા અને રંગેચંગે લગ્નવિધિ થઈ હતી.
૧૦૦ વર્ષના દાદા અને ૯૦ વર્ષના દાદી ફરી એક વખત ફેરા ફર્યા હતા. વરમાળા અને ફેરાની વિધિ પછી ૯૦ વર્ષના દાદીમાને તેમના પરિવારજનો તથા ગામના લોકોએ દાદા સાથે વિદાય કર્યા હતા. વિદાય પછી દાદા-દાદી બગીમાં બેસીને જાનૈયાઓ સાથે બેનિયાપુકુર ગામે પરત આવી આવી પહોંચ્યા હતા. જ્યાં ગામવાસીઓએ શતાયુ દુલ્હા અને દુલ્હનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. દુલ્હા-દુલ્હનના વેશમાં સજ્જ થયેલા દાદા-દાદીના ‘પુર્નર્લગ્ન’ના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા.