લંડનઃ વેસ્ટ સસેક્સના સેલ્સીના ૪૨ વર્ષીય બિલ્ડર સ્ટીવ થોમસન ૧૦૫ મિલિયન પાઉન્ડની લોટરી જીત્યા બાદ ફરી નોકરી પર ગયા હતા અને થોડી રકમ સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં વાપરી હતી. ગયા મહિને યુરો મિલિયન જેકપોટ જીત્યા પછી તેમણે નોકરી ન છોડવાનું પસંદ કર્યું હતું અને પોતાના તેમજ પત્ની માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો નિર્ણય લીધો હતો.
યુકેના સૌથી મોટા જેકપોટના નવમા વિજેતા થોમસને જણાવ્યું હતું કે પોતે આ જેકપોટ જીત્યા છે તેવું જાણ્યા પછી તેમને હરખ મા'તો નથી અને ઉંઘ પણ આવતી નથી. તેઓ આ ઓટમમાં યુરો મિલિયન લોટરી જીતનારા બીજા બ્રિટિશર હતા. થોમસને જણાવ્યું કે કામ પર પાછા ફરવાથી તેમને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. તેમણે કહ્યું, ‘હવે હું સામાન્ય હોઉં તેવું લાગે છે અને હું તેવો સામાન્ય જ રહેવા માગું છું. હું ક્રિસમસ પહેલા કેટલાંક કામો પૂરા કરવા માગું છું.’
ગયા ઓક્ટોબરમાં યુકેમાં અપાતું સૌથી મોટું ૧૭૦ મિલિયન પાઉન્ડનું ઈનામ એક અજાણ્યા વિજેતાને લાગ્યું હતું.