લંડનઃ ભારતીય મૂળના ૧૧ વર્ષનો અર્ણવ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં સૌથી વધુ ૧૬૨ માર્કસ મેળવીને દેશનો સૌથી બુદ્ધિશાળી બાળક બન્યો છે. આમ તેણે મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટિફન હોકિંગ કરતાં પણ બે માર્ક વધુ મેળવ્યા છે.
સાઉથ ઇંગ્લેન્ડમાં રીડિંગ ટાઉનમાં રહેતા અર્ણવ શર્માએ કોઈ વિશેષ તૈયારી વગર જ કેટલાંક અઠવાડિયાં અગાઉ આ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે મેન્સા આઇ ક્યુ ટેસ્ટ સૌથી મુશ્કેલ પરીક્ષા તરીકે જાણીતી છે. અર્ણવ આ ટેસ્ટ વિશે જાણતો હતો જરૂર, પરંતુ તેણે ક્યારેય આ ટેસ્ટ આપવાનો વિચાર નહોતો કર્યો.
ટેસ્ટમાં અર્ણવને મળેલા માર્ક તેને આઇક્યુ લેવલમાં દેશમાં ટોચના સ્થાને મૂકે છે. આઇન્સ્ટાઇન અને હોકિંગ જેવા મોટા ગજાના વિદ્વાનોએ પણ આ ટેસ્ટમાં ૧૬૦ માર્ક મેળવ્યા હતા. આમ અર્ણવ તેના કરતાં પણ બે માર્ક આગળ નીકળ્યો છે.
અર્ણવ શર્માએ રિઝલ્ટ જાહેર થયા બાદ કહ્યું હતું કે મેન્સા ટેસ્ટ મુશ્કેલ હોય છે અને એ કેટલાંય લોકો પાસ નથી કરી શકતાં આ બધું હું જાણતો હતો. મને તો પાસ થવાની આશા જ નહોતી, પણ મેં આ ટેસ્ટ આપી. મને લગભગ અઢી કલાક લાગ્યા. અર્ણવનું કહેવું છે કે ત્યાં બીજા સાતથી આઠ લોકો હતાં.
અર્ણવે કહ્યું કે, ટેસ્ટ આપતાં પહેલાં હું ખાસ કંઇ ઉત્સાહમાં નહોતો. મેં ટેસ્ટની તૈયારી ભલે નહોતી કરી, પરંતુ હું ગભરાયો પણ નહોતો. મારા ઘરનાને પણ મારું પરિણામ જાણી આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
અર્ણવના માતા મિશા ધમીજા શર્માએ કહ્યું હતું કે હું વિચારતી હતી કે શું ચાલી રહ્યું હશે, કારણ કે તેણે ક્યારેય જોયું જ નહોતું કે આ ટેસ્ટનું પેપર કેવું હોય છે. ધમીજા કહે છે કે અર્ણવ જ્યારે અઢી વર્ષનો થયો ત્યારે મને તેની ગણિતના કૌશલ્ય વિશે ખબર પડી હતી.
અર્ણવને ગાવાનો અને ડાન્સ કરવાનો શોખ છે. તે આઠ વર્ષનો હતો ત્યારે બોલિવૂડના ડાન્સ કરીને રીડિંગ્સ ગોટ ટેલેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.
મેન્સા દુનિયાની સૌથી મોટી અને જૂની ઉચ્ચ આઇક્યુ સોસાયટી છે. વૈજ્ઞાાનિક અને વકીલ લાન્સલોટ લિયોનેલ વેયર તથા ઓસ્ટ્રેલિયાના બેરિસ્ટર રોલેન્ડ બેરિલે ૧૯૪૬માં આની સ્થાપના કરી હતી, પછી આ સંગઠનનો પ્રચાર દુનિયાભરમાં થયો.