ગયા (બિહાર)ઃ બિહારના ગયામાં એક વૃક્ષના રક્ષણ માટે ચાર બટાલિયનને તૈનાત કરવામાં આવી છે. એવું કોઇ કહે તો માન્યામાં ન આવેને?! પરંતુ આ હકીકત છે. આ વૃક્ષ એટલે ૨૬૫૦ વર્ષ જૂનું બોધિવૃક્ષ - જેનું આગવું ધાર્મિક - પૌરાણિક મહત્ત્વ છે. બોધિમંદિર સહિત વૃક્ષની સુરક્ષા કાજે બિહાર પોલીસના ૩૬૦ જવાન (ચાર બટાલિયન) ખડેપગે ફરજ બજાવે છે. તેની ડાળખીઓ એટલી વિશાળ છે કે તેને લોખંડના ૧૨ થાંભલાના આધાર પર ટેકવવામાં આવી છે. સંભવતઃ ભારતનું આ એકમાત્ર વૃક્ષ હશે, જેના દર્શન માટે પ્રત્યેક વર્ષે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હશે. જેમાંથી ૧.૫ લાખથી વધુ તો વિદેશી પ્રવાસી હોય છે.
૧૪૧ વર્ષ પૂર્વે એટલે કે ૧૮૭૬માં મહાબોધિ મંદિરના જિર્ણોદ્ધાર સમયે એલેક્ઝાન્ડર કનિંઘમે વૃક્ષ લગાવ્યું હતું. આ દરમિયાન ખોદકામમાં લાકડાના કેટલાક અવશેષ મળ્યા, જેને સંરક્ષિત કરી લેવામાં આવ્યા હતા. બાદમાં ૨૦૦૭માં વૃક્ષ, લાકડાના અવશેષો અને સમ્રાટ અશોક દ્વારા શ્રીલંકા (અનુરાધાપુર) મોકલવામાં આવેલા બોધિવૃક્ષનો ડીએનએ ટેસ્ટ કરાવાયો. આ ટેસ્ટમાં જાણવા મળ્યું કે વૃક્ષ જે વૃક્ષના મૂળમાંથી ઊગી નીકળ્યું છે, તેની નીચે જ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
આ વૃક્ષનું ઐતિહાસિક-પૌરાણિક મહત્ત્વ જાણવા મળ્યા બાદ તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તેની યોગ્ય જાળવણી થાય, તેને કોઇ રોગ લાગુ ન પડે તે માટે વર્ષમાં ચાર વખત નિષ્ણાતો દ્વારા તપાસ થાય છે. નવા પાંદડાઓની સંખ્યા અને સઘનતા વડે જાણવામાં આવે છે કે વૃક્ષ સ્વસ્થ છે કે નહીં. આ પછી જરૂરત અનુસાર તેની ‘સારવાર’ પણ થાય છે.
વૃક્ષની જૂની ડાળીઓ કાપીને તેના પર રાસાયણિક લેપ લગાવીને સાચવી રાખવામાં આવે છે. આ ઉપરાંત તેને કીડાઓથી બચાવવા માટે એક વિશેષ પ્રકારના પદાર્થનો છંટકાવ થાય છે. વૃક્ષને પોષક તત્વ આપવા માટે મિનરલ્સનો લેપ ચઢાવાય છે. ૨૦૦૭થી તેના આવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. વૃક્ષને સ્પર્શ કરવા પર પ્રતિબંધ છે.
બોધગયા મંદિર સંસ્થાન સમિતિના સચિવ નંજે દોરજે કહે છે કે દહેરાદૂનથી ભારતીય વન અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિક તેના ચેકઅપ કરવા આવે છે. વૃક્ષ સહિત મંદિરની સારસંભાળ પાછળ દર વર્ષે ૫ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ચાર ડોર મેટલ ડિટેક્ટર અને ૧૦ હેન્ડ મેટલ ડિટેક્ટર અને ૫૦ સીસીટીવી કેમેરાથી તેના પર સતત નજર રાખવામાં આવે છે.