૧૨ વર્ષ જૂનું ‘મગફળીનું દેવું’ ચૂકવવા ભારત પહોંચ્યા!

૨૫ રૂપિયાની મગફળી લીધી હતી, યુએસથી આવીને ૨૫ હજાર આપીને ઉધારી ચૂકવી

Wednesday 12th January 2022 06:45 EST
 
 

કાકીનાડા (આંધ્ર પ્રદેશ)ઃ કેટલાક લોકો એવા દુષ્ટ હોય છે કે બીજા પાસેથી ઉધાર નાણાં લીધા પછી આર્થિક સજ્જતા છતાં, પણ લેણદારને પરત ચૂકવણી કરવાનું ટાળતા હોય છે, તો બીજી તરફ કેટલાક નખશીખ સજ્જન લોકો એવા પણ હોય છે જેઓ લેણું પરત ચૂકવવા, માથેથી કરજનો બોજ ઉતારવા, કોઇ પણ હદે જવા તૈયાર હોય છે. ભારતવંશી અમેરિકન ભાઇબહેનની જોડીએ સમાજને આવું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એક મગફળીવાળા પાસેથી ૧૨ વર્ષ પહેલાં મફતમાં લીધેલી મગફળીની ઉધારી ચૂકવવા એનઆરઆઇ ભાઇ-બહેનની જોડી અમેરિકાથી ભારત પહોંચ્યાની માનવતાની મિસાલરૂપ ઘટના આંધ્ર પ્રદેશમાં બની છે.
૨૦૧૦માં એનઆરઆઇ પ્રણવ અને તેની બહેન સૂચિતા પિતા મોહન સાથે કાકીનાડા બીચ પર ફરવા ગયા હતા. તે સમયે ૧૦ વર્ષની વયના ભાઇબહેનને મગફળી ખાવાની ઇચ્છા થઇ તો પિતાએ તેમને ગીન્જાલા પૈડ્ડા સતૈયા નામના એક લારીવાળા પાસેથી ૨૫ રૂપિયાની મગફળી અપાવી. જોકે, પૈસા આપવા મોહને ખિસ્સામાં હાથ નાંખ્યો તો તેમને ખ્યાલ આવ્યો કે પોતે વોલેટ ભૂલી ગયા છે. આ વાતનો ખ્યાલ આવતાં જ મોહને મગફળી લેવાનો ઇન્કાર કર્યો તો તરત જ સતૈયાએ કહ્યું કે વોલેટ ભૂલી ગયા તો શું થઇ ગયું? ખિસ્સામાં પૈસાં નથી એટલે બાળકો મગફળી ખાઇ શકે નહીં તે વાત બરાબર નથી. સતૈયાએ વચલો રસતો કાઢતા કહ્યું હતું કે તમે અત્યારે મગફળી લઇ લો, પૈસા કાલે ફરી આવો ત્યારે આપી દેજો. મોહને સત્તૈયાને આ ઉધારી જલદી ચૂકવી દેવાનું વચન આપ્યું અને સત્તૈયા સાથે એક ફોટો પણ લીધો. બીજા દિવસે તેઓ સતૈયાને પૈસા આપવા કોથાપલ્લી બીચ પર પહોંચ્યા. જોકે ઘણી શોધખોળ છતાં તે મળ્યો જ નહીં. અધૂરામાં પૂરું, તેમને નિયત સમય કરતાં થોડાક દિવસ વહેલાં અમેરિકા પરત ફરવું પડ્યું. આ બધી ઉતાવળમાં સત્તૈયાના પૈસા બાકી જ રહી ગયા.
આ વાતને બાર - બાર વર્ષના વ્હાણાં વહી ગયા, પરંતુ પ્રણવ - સૂચિતા આ વાત ભૂલ્યાં નહોતાં. બાર વર્ષ બાદ તેઓ ભારત ફરવા પહોંચ્યા ત્યારે તેમણે તેમણે મગફળી વેચતા સત્તૈયાની ઉધારી ચૂકવવાનું નક્કી કર્યું. તેમના પિતા મોહન પણ તે મગફળીવાળા સતૈયાને પૈસા ચૂકવવા ઉત્સુક હતા. પરંતુ દરિયાકિનારે સતૈયાનો કોઇ અતોપતો નહોતો.
આથી મોહને સત્તૈયાની ભાળ મેળવવા પોતાના મિત્ર એવા કાકીનાડાના ધારાસભ્ય ચંદ્રશેખર રેડ્ડીની મદદ લીધી. રેડ્ડીએ સત્તૈયાને શોધવા ચક્રો ગતિમાન કર્યા. પરિચિતોને કામે લગાવ્યા, ફેસબુક પર એક પોસ્ટ પણ મૂકી. તેમનો આ ઉપાય કામ કરી ગયો. સતૈયાની શોધખોળ ચાલતી હોવાની જાણ થતાં જ તેના પૈતૃક ગામ નગુલાપલ્લીના કેટલાક લોકો ધારાસભ્ય રેડ્ડીના અંગત મદદનીશ પાસે પહોંચ્યા અને જણાવ્યું કે સત્તૈયા તો હવે હયાત નથી, પણ તમારે કામ શું છે? રેડ્ડીએ સતૈયાની શોધખોળનું કારણ જણાવ્યું. ભાઇબહેન પ્રણવ-સૂચિતા સતૈયાની અણધારી વિદાયના સમાચાર સાંભળીને બહુ દુ:ખી થયા, પરંતુ તેઓ સતૈયાના ગામ પહોંચ્યા અને તેના પરિવારજનોને મળીને ૨૫ હજાર રૂપિયા આપીને ૧૨ વર્ષ પહેલાં મફતમાં ખાધેલી મગફળીની ઉધારી ચૂકવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter