હૈદરાબાદઃ શહેરમાં ધોરણ-૭માં ભણતા વિદ્યાર્થીએ કંઇક એવું કરી બતાવ્યું કે તે જાણીને કોઇને પણ ગર્વ થાય. ૧૨ વર્ષના સિદ્વાર્થ શ્રીવાસ્તવ પિલ્લઇએ પોતાના નામે અનોખો વિક્રમ નોંધાવ્યો છે. તેને આટલી નાની વયે સોફ્ટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ જેવા મહત્ત્વના સ્થાન પર નોકરી મળી છે. સિદ્વાર્થને સોફ્ટવેર કંપની મોન્ટેઝી સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન્સે નોકરી આપી છે. આટલી નાની ઉંમરમાં આવી સિદ્ધિ બદલ સિદ્વાર્થ પોતાના પરિવારજનોનો આભાર માનતા કહે છે આમ તો હું શ્રી ચૈતન્ય ટેક્નો સ્કૂલમાં ૭મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું, પરંતુ સોફ્ટવેર કંપનીમાં જોડાયા પછી મારી સૌથી મોટી પ્રેરણા તન્મય બક્ષી છે. તેમને ખૂબ નાની ઉંમરમાં ગુગલમાં ડેવલપર તરીકે સ્થાન મળ્યું હતું. હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ કેટલી સારી છે તે સમજવામાં વિશ્વને મદદ કરી રહ્યા છે.
આટલી નાની ઉંમરમાં આ સિદ્વિ મેળવવા માટે સિદ્વાર્થે કોડીંગ શીખવાડવાનું શરૂ કર્યું હતું. આ વિશે સિદ્વાર્થ કહે છે કે, મારા પિતા મને એકદમ નાની ઉંમરથી આ ક્ષેત્રે આગેકૂચ માટે પ્રેરણા આપતા રહ્યા છે, મદદ કરતા રહ્યા છે. તેઓ મને તમામ સફળ લોકોની વાતો કહેતા અને મને કમ્પ્યુટર કોડીંગ શીખવાડ્યું. આજે હું જે કંઇ પણ છું તે મારા પિતાના કારણે છું.