કોઇ પણ માણસ ૧૦૦ વર્ષ જીવે એ જ સિદ્ધિ બની જાય છે, પરંતુ કાશી તરીકે ઓળખાતા વારાણસી શહેરમાં રહેતા મહાષ્ટા મુરાસી નામના માણસની ઉંમર ૧૮૧ વર્ષ હોવાનું મનાય છે. દુનિયાના સૌથી ઉંમરલાયક મનાતા આ માણસનો જન્મ ૬ જાન્યુઆરી ૧૮૩૫ના રોજ બેંગ્લોર પાસેના એક ગામમાં થયો હતો. એ સમયે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ (૧૮૫૭) થવાને પણ વાર હતી. નવાઇની વાત તો એ છે કે દુનિયામાં સૌથી વૃદ્ધ હોવાનો દાવો કરતો આ માણસ પોતાનું બર્થ સર્ટિફિકેટ પણ ધરાવે છે.
તેઓ વર્ષ ૧૯૦૩માં બેંગ્લોર છોડીને વારાણસી આવ્યા ત્યારે તેમની ઉંમર ૬૮ વર્ષની હતી. વારાણસીમાં એવી પણ વાત ફેલાયેલી છે કે તેમની ઉંમરની વાતને ગિનિસ બુક ઓફ રેકોર્ડેઝે પણ પુષ્ટી આપી છે અને મહાષ્ટા મુરાસી અનેક સરકારી અધિકારીઓને પોતાના જન્મનું પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ બતાવી ચૂકયા છે. મહાષ્ટા મુરાસી વારાણસીમાં ચપ્પલ તૈયાર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમણે આ કામ વારાણસીમાં ૧૯૫૭ સુધી ચાલુ રાખ્યું હતું. ૧૨૨ વર્ષે કામમાંથી નિવૃત્ત થયા પછી તેઓ એકલું જીવન જીવે છે. તેમના પુત્રો અને પૌત્રો સહિતના અનેક સગા સંબંધીઓ મુત્યુ પામ્યા છે. મહાષ્ટા જેમની પાસે પોતાનું હેલ્થ ચેક અપ કરાવતા હતા એ ડોકટર ૧૯૭૧માં ગુજરી ગયા પછી તેમના શરીરમાં બધું કેમ ચાલે છે એની ખાસ તપાસ થઇ નથી. હાલમાં તો તેમની તપાસ કરનારા તબીબો પણ મૂંઝવણમાં છે કે મહાષ્ટાના શરીરનું તંત્ર કઈ રીતે કામ કરે છે?
આમ જોવા જઇએ તો સત્તાવાર રીતે કોઇ માણસ ૧૨૫ વર્ષથી વધારે જીવ્યો નથી ત્યારે મહાષ્ટાની ઉંમર ૧૮૧ વર્ષની છે એ કોઇ માનવા તૈયાર ન થાય એ સ્વભાવિક જ છે. ખાસ તો મહાષ્ટા મુરાસીના મેડિકલને લગતા જૂના રેકોર્ડ રાખનારા તબીબો હયાત ન હોવાથી તેની ઉંમર વિશે વધુ પ્રશ્નો ઊભા થાય છે.
બીજી તરફ મુરાસીને ઓળખનારા લોકો તે દૈવીશકિત ધરાવતો હોવાનું માને છે. કેટલાક તો તેની સરખામણી ઇચ્છા મૃત્યુનું વરદાન ધરાવનારા ભિષ્મ પિતામહ સાથે કરે છે. હાલમાં મહાષ્ટાનો વીડિયો ફેસબુક તથા યુ ટયૂબ પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે, મૃત્યુના દેવ યમરાજ મારા ઘરનો રસ્તો ભૂલી ગયા હોય એમ લાગે છે. આથી જ તો આટલું જીવવા છતાં મને મોત આવતું નથી. જોકે, મહાષ્ટાની જિજીવિષા હજી અકબંધ છે. તેમને જે જિંદગી મળી છે તેનો આનંદ લૂંટવો છે અને મરવાની કોઇ જ ઉતાવળ નથી.