વોશિંગ્ટનઃ કેનેડાના એક મરજીવાએ સમુદ્રમાં ન્યૂક્લિયર બોમ્બ શોધવાનો દાવો કર્યો છે. એવું માનવામાં આવે છે કે, ૧૯૫૦ના દાયકામાં આ વિસ્તારમાં જે અમેરિકી બોમ્બર વિમાન બી-૩૬ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં આ પરમાણુ બોમ્બ હતો. ટેક્સાસના કાર્સવેલ એરફોર્સ બેઝ તરફ જતી વખતે આ વિમાન બ્રિટીશ કોલંબિયા પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં માર્ક-૪ પરમાણુ બોમ્બ ફિટ થયો હતો. આ વિમાને ઉડાન ભર્યાની થોડીક વાર પછી વિમાનને આગ લાગી ગઈ હતી. પાઈલટ ટીમે તરત જ વિમાનને ઓટો પાઈલટ મોડ પર મૂકીને પેરાશૂટમાંથી ચલાંગ લગાવી દીધી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૧૭માંથી પાંચ સભ્યોનાં મોત થયાં હતા. અમેરિકી સેના મુજબ ત્રણ વર્ષ પછી વિમાનનો કાટમાળ સેંકડો કિમીના વિસ્તારમાં વિખેરાયેલો મળ્યો હતો. આ પરમાણુ બોમ્બ શોધવાનો દાવો કરનાર સીન સિમરીચિંસ્કીએ જણાવ્યું છે કે, બ્રિટીશ કોલંબિયા પાસે સમુદ્રની કાકડી શોધવા માટે તેમણે દરિયામાં ડૂબકી મારી હતી. એ સમયે તેમને સમુદ્રના તળિયામાં કંઈક વિચિત્ર વસ્તુ દેખાઈ હતી. દેખાવમાં તે ઉડતી રકાબી જેવું દેખાતું હતું. સીનની આ શોધ પછી હૈદા ગવઈ ટાપુ સમૂહ વિસ્તારમાં નૌકાદળનું જહાજ આ જગ્યાએ બોમ્બ છે કે નહીં તેની તપાસ કરવા મોકલવામાં આવ્યું હતું.
કિંગ સાઇઝ બેડથી પણ મોટો બોમ્બ
સીનના જણાવ્યા મુજબ આ બોમ્બ કોઈ કિંગ સાઇઝ બેડથી પણ ઘણો મોટો દેખાય છે. તે ઉપરથી ચપટો હતો અને તેનો નીચેનો ભાગ ગોળાકાર હતો. તેની વચ્ચોવચ્ચ કાણું હતું. એક ચેનલ સાથે વાતચીત કરતાં સીને જણાવ્યું હતું કે, તેમણે કંઈક એવું શોધ્યું છે જે અત્યંત વિચિત્ર અને પહેલાં ક્યારેય નજરોનજર ન જોયેલું છે. તેમને પ્રથમ દૃષ્ટિએ આ વસ્તુ કોઈ ઉડતી રકાબી જેવી લાગી. તેમણે મજાકમાં આ ઘટના વિશે મિત્રોને પણ કહ્યું હતું. ત્યાર પછી આ મામલાનો ઘટસ્ફોટ થયો અને સૈન્યએ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી. હવે વિજ્ઞાનીઓ અને સંરક્ષણ નિષ્ણાતો આ બોમ્બની તપાસ કરશે. એ પછી તેને નિષ્ક્રિય કરાશે. જોકે, હાલમાં આ માત્ર અંદાજ જ છે કે આ એક મોટો પરમાણુ બોમ્બ હોઈ શકે છે.
બોમ્બ વિસ્ફોટક નહીં
સેનાના કેટલાક બોમ્બ નિષ્ણાતોએ જણાવ્યું કે, આ બોમ્બ જ્યારે તૈયાર થયો હશે ત્યારે તેમાં લેડ, યુરેનિયમ અને ટીએનટી ભરવામાં આવ્યા હશે, પરંતુ બોમ્બમાં પ્લુટોનિયમ નથી. જેથી આ પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરવામાં સક્ષમ ન ગણી શકાય. જોકે એ ગણતરી માંડી શકાતી નથી કે આ વિસ્ફોટ ન થઈ શકે એવો બોમ્બ બનાવવા પાછળ શું કારણ હોઈ શકે.