૨૦ વર્ષથી અંધ મહિલા પડી જતાં આંખોની રોશની પાછી આવી!

Friday 20th May 2016 05:38 EDT
 
 

હ્યુસ્ટનઃ લગભગ ૨૦ વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી દેનાર મેરી એન ફ્રેન્ક તેનાં ઘરમાં પડી જતાં આંખોની રોશની પાછી આવી ગઈ છે. ૧૯૯૩માં કરોડરજ્જુના ભાગે ઇજા થયા બાદ મેરીની આંખોનું તેજ જતું રહ્યું હતું.
મેરી કહે છે, 'આશરે ૨૦ વર્ષથી મારા જીવનમાં અંધકાર હતો. ઓગસ્ટ ૨૦૧૫માં હું દરવાજો ખોલવા માટે ઊભી થઈ હતી, મારો પગ લપસી પડતાં પીઠમાં ઇજા થઇ હતી. મારું માથું કોઈ નક્કર વસ્તુ સાથે અથડાયું હતું. મારું ઓપરેશન થોડા દિવસો પહેલાં જ કરવામાં આવ્યું છે, ત્યાં સુધી મારે ગળામાં પટ્ટો પહેરવો પડતો હતો.’ ચાર કલાક ચાલેલાં ગરદનનાં ઓપરેશન બાદ જ્યારે હોસ્પિટલમાં તેને હોશ આવ્યા તો તેને થોડું થોડું દેખાવા લાગ્યું હતું. બીજા દિવસે સવારે ડોક્ટરોએ તેને દવા આપી તો તેને બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. મેરીને ઈશ્વરમાં ઘણી આસ્થા છે, તે પોતાની રોશનીને ઈશ્વરનો જ ચમત્કાર ગણાવે છે. તે જણાવે છે કે, ૨૦ વર્ષ પછી દેખાવા લાગવું એ એક નવો જ અનુભવ છે.
ઓપરેશન કરનારા ડો. જોન અફશર જણાવે છે કે, 'અમને એવી જરાય આશા નહોતી કે ઓપરેશન કરવાને કારણે મેરીની આંખો પર આવી અસર થશે. અમારી પાસે તેનો કોઈ વૈજ્ઞાનિક ખુલાસો નથી. બની શકે કે, માથું અથડાવાને કારણે મગજના એ હિસ્સામાં ફરીથી લોહીનું પરિભ્રમણ શરૂ થઈ ગયું હોય, જ્યાંથી વ્યક્તિનું દેખાવાનું નિયંત્રિત થાય છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter