એમ્સ્ટર્ડમ: ઘણી વાર રોડ પરના નબળા બાંધકામના લીધે પડતી તિરાડો અને ખાડાઓ અક્સ્માતનું કારણ બને છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં તો રોડ રિપેરિંગ અને રિસરફેસીંગ વર્કમાં ભ્રષ્ટાચારની ફરિયાદો પણ ઉઠતી રહે છે. જોકે તમને એ જાણીને નવાઇ લાગશે કે નેધરલેન્ડમાં રસ્તા પરની તિરાડો અને ખાડાઓ જાતે જ પુરાઇ જાય તે અંગે સંશોધન પ્રયોગો શરૂ થયા છે.
આના માટે રોડ પર માત્ર ઇન્ડકશન રોલર જ ચલાવવાની જરૂર પડે છે. વૈજ્ઞાાનિકોએ સડકને ખાડામુકત રાખવા માટે જે બેકટેરિયાની પણ મદદ લઇ રહ્યા છે એ બેકટેરિયા કેલ્શિયમ કાર્બોનેટનું ઉત્પાદન કરીને રોડ પરની તિરાડો પુરે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ૨૦૦ વર્ષ સુધી સક્રિય રહેતા આ બેકટેરિયા માણસ જાતને કોઇજ પ્રકારનું નુકસાન કરતા નથી.
પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રકારના બેકટેરિયા જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વધુ હોય છે. આ બેકટેરિયા જેમ શરીરનો ઘા રુઝાય તેમ તિરાડોમાં રુઝ જેવી સ્થિતિ ઉભી કરી રોડને ડેમજ થતો અટકાવે છે. કોલટાર એટલે કે ડામરના રોડ પર નાના નાના છિદ્રો હોય છે. આ છિદ્રોમાં પાણી અને ગરમી શોષાઇ છે.
આ છિદ્રોના લીધે જ રોડ પર ઝડપથી તિરાડ અને કાણા પડી જાય છે. જે લાંબા ગાળે વાહનોના ટાયરના ઘસારાથી મોટા ખાડામાં ફેરવાઇ જાય છે. સેલ્ફ હિંલિગ રોડ માટે ખાસ પ્રકારનું સ્ટીલ અને ફાઇબર મિશ્રિત ડામર વાપરવો પડે છે. આ ડામર સામાન્ય ડામર કરતા ૨૫ ટકા મોંઘો છે પરંતુ રોડની આવરદા બમણી થતી હોવાથી ફાયદો થાય છે.
નેધરલેન્ડના વૈજ્ઞાાનિકોએ જાતે જ રિપેર થઇ જાય તે પ્રકારના ૧૨ રોડ તૈયાર કર્યા છે. જેમાંની સૌ પ્રથમ રોડ ૨૦૧૦માં તૈયાર કરવામાં આવ્યો હતો. બેકટેરિયાના ઉપયોગથી માત્ર રોડ જ નહી ક્રોક્રિટના બાંધકામોમાં પણ તિરાડો પડવાનું નિવારી શકાય છે. આના માટે વિવિધ પ્રકારના બેકટેરિયા પણ ઉપયોગમાં લઇ શકાય તે દિશામાં સંશોધનો ચાલે છે.