નવી દિલ્હીઃ બેંગ્લુરુની એક જમીનનો મામલો ૩૦ વર્ષ સુધી ચાલ્યો. જમીનને લઈને એક એજ્યુકેશન સોસાયટી અને મહિલા લક્ષ્મી વચ્ચે વિવાદ હતો. નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સુનાવણી થઈ અને અંતે જાણ થઈ કે અરજદાર મહિલા લક્ષ્મી તો છે જ નહીં. આ ૩૦ વર્ષોમાં અરજદાર લક્ષ્મીને ક્યારેય કોઈએ જોઈ નથી. એ ક્યારેય કોર્ટની સામે આવી નથી. છતાં દરેક કોર્ટમાં લક્ષ્મી કેસ જીતતી રહી. છેલ્લે તો સુપ્રીમ કોર્ટે પણ ૨૦૦૬માં લક્ષ્મીની તરફેણમાં ચુકાદો આપ્યો. બાદમાં સોસાયટીની અપીલ પર કેસ પર ફરી વાર સુનાવણી શરૂ થઈ ત્યારે લક્ષ્મીના અસ્તિત્વ વિશે ખુલાસો થયો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી. લોકુરની અધ્યક્ષતા હેઠળની બેન્ચે લક્ષ્મીના અસ્તિત્વ પર ખુલાસો કરતાં બેંગ્લૂરુની સેન્ટ એની એજ્યુકેશન સોસાયટીની તરફેણમાં ચુકાદો આપ્યો. જસ્ટિસ લોકુરે કહ્યું કે ૧૯૮૬થી ૧૯૯૭ સુધી લક્ષ્મી વતી તેના પાવર ઓફ એટોર્ની બી. શ્રીરામુલુ હાજર રહ્યાં. ૧૯૯૭ બાદ કોઈ ન આવ્યું. લક્ષ્મીએ જ્યારે ૧૯૮૯માં પહેલી વાર નીચલી અદાલતમાં કેસ દાખલ કર્યો હતો તો તેની ઉંમર ૬૭ બતાવાઈ હતી. મહિલાની ઉંમર હવે લગભગ ૯૬ વર્ષ થઈ ગઈ છે. આ સંજોગોમાં કહી ના શકાય કે લક્ષ્મી હવે જીવિત હશે કે નહીં? અમને તો લાગે છે કે આ મહિલા એક કાલ્પનિક પાત્ર છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૯માં બેંગ્લૂરુ પોલીસે પણ કોર્ટની અવગણના મામલે લક્ષ્મીને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ના મળી. આ વાતોના આધારે જ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટ દ્વારા લક્ષ્મીની તરફેણમાં અપાયેલા ચુકાદાને રદ કરી નાખતાં સ્પષ્ટ કર્યું છે કે આ અરજીનો અહીં જ નિકાલ લવાય છે.