ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશના બોમજા ગામનું નામ એક જ દિવસમાં એશિયાના સૌથી ધનિક ગામોની યાદીમાં સામેલ થઇ ગયું છે. અને તે પણ સરકારી વળતરના કારણે! તવાંગ જિલ્લાના આ ગામમાં સરકારે પાંચ વર્ષ અગાઉ જમીન સંપાદન કર્યું હતું, જેનું વળતર ગુરુવાર, આઠમી ફેબ્રુઆરીએ ચૂકવવામાં આવ્યું. સંરક્ષણ મંત્રાલય આ જમીન પર મહત્વપૂર્ણ લોકેશન પ્લાન યુનિટ બનાવવા માંગતું હોવાથી આ જમીનનું સંપાદન કરાયું છે. સરકારે કુલ ૨૦૦.૫૦૬ એકર જમીનના સંપાદનના બદલામાં ગામના ૩૧ પરિવારને ૪૦.૮૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેમાંથી ૨૯ પરિવારને ૧.૦૯ કરોડ, એક પરિવારને ૨.૪૫ કરોડ તેમજ અન્ય એક પરિવારને સૌથી વધુ ૬.૭૩ કરોડ રૂપિયા મળ્યા છે. આમ, ગામનો એકેએક પરિવાર કરોડપતિ બની ગયો છે. સંભવત: આ એશિયાનું પહેલું એવું ગામ છે કે જ્યાંનો દરેક પરિવાર કરોડપતિ છે.
મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ લોકોને વળતરના ચેક સુપરત કર્યા ત્યારે લોકોના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખની છે કે આ એ જ ક્ષેત્ર છે કે જ્યાં ૧૯૬૨ના યુદ્ધમાં ૪ ગઢવાલ રાઇફલ્સના રાઇફલમેન જસવંત સિંહ રાવતે શહીદ થતાં પહેલા એકલા હાથે ચીનના ૩૦૦ સૈનિક માર્યા હતા. તવાંગ રોડ પર તેમના નામનું એક મંદિર પણ છે, જ્યાં તેમની પૂજા ‘સૈનિકોના દેવતા’ તરીકે થાય છે.