બૈકુંઠપુર (છત્તીસગઢ)ઃ છત્તીસગઢનાં એક મહિલા ત્રણ દસકાં પણ વધુ વર્ષોથી ભોજન લીધા વિના જીવી રહી છે અને છતાં સંપૂર્ણ સ્વસ્થ છે! કોરિયા જિલ્લાના બૈકુંઠપુરના બરદિયા ગામમાં રહેતાં ૪૪ વર્ષીય પલ્લીદેવી ખાવાપીવાના નામે માત્રને માત્ર ચા જ પીવે છે. તેમણે ૧૧ વર્ષની ઉંમરે અચાનક અન્ન-જળનો ત્યાગ કરી દીધો. અને બસ ત્યારથી ચા તેમના જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે. પલ્લીદેવી તેના પિતાના ઘરે રહે છે. આસપાસના વિસ્તારોના લોકો તેને 'ચાયવાલી ચાચી' નામથી ઓળખે છે. તેના પિતા રતિરામ જણાવે છે કે પલ્લી છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી તેણે અનાજને હાથ સુદ્ધાં નથી અડાડ્યો. આ ઘટના અચાનક બની હતી. તે કોરિયા જિલ્લાના જનકપુરમાં પટણા સ્કૂલ તરફથી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ રમવા ગઇ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે અચાનક જ અન્ન-જળનો ત્યાગ કરી દીધો. એકાદ-બે મહિના સુધી ચા, બ્રેડ અને બિસ્કિટ લીધા પણ તે પછી ધીમે-ધીમે બિસ્કિટ અને બ્રેડ ખાવાનું પણ છોડી દીધું. પલ્લીદેવીના નાના ભાઇએ કહે છે કે, ‘હું સમજણો થયો છું ત્યારથી મારી બહેનને આ રીતે જોઇ રહ્યો છું. તે ચા પણ સૂર્યાસ્ત પછી જ પીવે છે.’
ગરીબીના કારણે કાળી ચા પીવાનો સંકલ્પ લીધો
પરિવારજનોના કહેવા પ્રમાણે પલ્લીદેવી પહેલાં તો દૂધવાળી ચા પીતી હતી, પણ પરિવારમાં આર્થિક સંકડામણ વધતાં ઘરમાં રોજ દૂધ આવવાનું બંધ થઇ ગયું. આ પછી તે દૂધ વગરની કાળી ચા પીએ છે. કોરિયા જિલ્લા હોસ્પિટલના સર્જન ડો. એસ. કે. ગુપ્તાનું કહેવું છે કે ‘મેડિકલ સાયન્સ મુજબ આવું શક્ય નથી. હું પણ આ કેસ જોઇને આશ્ચર્યચકિત છું. પલ્લીદેવીનું ફુલ બોડી ચેકઅપ કરાવવું જોઇએ તો જ સાચી ખબર પડે તેમ છે.’