લંડનઃ આજકાલ પશ્ચિમી દેશોમાં લક્ઝુરિયસ બંગલાઓને લોટરી-સિસ્ટમથી વેચવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આમાંથી ઇંગ્લેન્ડ પણ બાકાત નથી. આ દેશમાં વધુ એક બંગલો આ રીતે વેચાવાનો છે. રોબર્ટ અને એવરિલ નામનું યુગલ છેલ્લા ૪૦ વર્ષથી આ બંગલામાં રહેતું હતું. જોકે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેઓ ચાર બેડરૂમ, વિશાળ ગાર્ડન અને સ્વિમિંગ-પૂલવાળા આ વિશાળ ઘરને મેઇન્ટેન કરી શકે એમ નથી. તેમની એકની એક દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી એ પછીથી આ યુગલ ક્યાંક નાની અને શહેરની વચ્ચે હોય એવી જગ્યાએ રહેવા માગે છે.
આ બંગલાથી દરિયાકિનારો માત્ર ચાલીને ૧૦ મિનિટમાં પહોંચી શકાય એટલો દૂર છે. રોબર્ટનું કહેવું છે કે કોઈ ધનાઢ્ય વ્યક્તિ આ ઘર લે એના કરતાં કોઈ નસીબદાર વ્યક્તિ આ ઘરમાં રહે એવું તેઓ ઇચ્છે છે. આ માટે તેમણે ૧૦ પાઉન્ડની લોટરીની ટિકિટો બહાર પાડી છે. આ યુગલ કુલ ૬૦,૦૦૦ આવી ટિકિટો વેચશે. એમ કરીને તેમને બંગલાની ખરી કિંમત પણ મળશે અને નસીબદાર વ્યક્તિને બંગલો પણ.
આ યુગલનું કહેવું છે કે લકી વિનરની પસંદગી કમ્પ્યુટર-સિસ્ટમના ડ્રો દ્વારા કરવામાં આવશે આથી કોઇને મનમાં શંકા-કુશંકા ન રહે. વિનર ઉપરાંત બીજા અને ત્રીજા નંબરે આવનારા લોકો માટે પણ તેમણે પ્રાઇઝ રાખ્યાં છે. લકી ડ્રોમાં બંગલો જીતનાર વ્યક્તિને આ બંગલો મેઇન્ટેઇન કરવા ચોક્કસ કેશ પ્રાઇઝ આપવાની જાહેરાત કરી છે. તેઓ આવતા વર્ષ -૨૦૧૯ની બીજી જાન્યુઆરીએ લકી ડ્રો કરશે.