૫૦ સ્ટોન વજનની મોનિકા રિલેને વિશ્વની સૌથી જાડી સ્ત્રીનો વિશ્વવિક્રમ રચવાની ધૂન ચડી છે

Monday 12th September 2016 09:40 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં હૃદયરોગ, કેન્સર સહિતના અનેક રોગો માટે ઓબેસિટી એટલે કે સ્થૂળતા મુખ્ય કારણરુપ હોવાની જાગૃતિ વધતી રહી છે ત્યારે લોકો સ્થૂળતા અને વજન ઘટાડી તંદુરસ્ત જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા સમયમાં પણ મોનિકા રિલે નામની ૨૭ વર્ષીય સ્થૂળ મહિલા અતિ સ્થૂળ બની વિશ્વવિક્રમ રચવા તરફના પ્રયાસ કરે છે. મોનિકા અત્યારે ૫૦ સ્ટોન (૩૧૭.૪૫ કિલોગ્રામ) વજન ધરાવે છે અને ૭૦ સ્ટોન (૪૪૪.૪૩ કિલોગ્રામ) વજન સુધી પહોંચવાની તેની મહેચ્છા છે. કદાચ ૧,૦૦૦ lbs (૪૫૪.૫૫ કિલોગ્રામ) વજન સુધી પણ પહોંચી શકાય તેમ મોનિકા કહે છે. તેની આ યોજનામાં તેનો બોયફ્રેન્ડ સિડ રિલે પણ સાથ આપી રહ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે આટલું ભારેખમ શરીર હોવાં છતાં તેને અને બોયફ્રેન્ડ સિડને બાળકની પણ ઈચ્છા છે.

મોનિકા રિલેના આદર્શ સુપરસાઈઝ વિમેન વેબસાઈટમાં દર્શાવાતી મહિલાઓ છે. મોનિકા કહે છે કે તે જેટલી વધુ મેદસ્વી બનશે તેટલી વધુ સેક્સી દેખાશે. જ્યાં સુધી તે વિશ્વની સૌથી જાડી સ્ત્રી તરીકેનું બિરુદ હાંસલ નહિ કરે ત્યાં સુધી તેને ખુશી મળશે નહિ. તે એટલી વિશાળકાય બનવા માગે છે કે પથારીમાંથી ઉભા થઈ જ શકાય નહિ.

તેનો ૨૫ વર્ષનો બોયફ્રેન્ડ સિડ પણ જરાય ઓછો ઉતરે તેવો નથી. ૬ ફૂટ બે ઈંચની ઊંચાઈ અને ૨૨૦ lbs (૧૦૦ કિલોગ્રામ) વજન ધરાવતો સિડના દિવસો મોનિકા માટે રાંધવામાં જ જાય છે. મોનિકાની ૯૧ ઈંચનું ઉદર ભરાઈ ગયું હોય ત્યારે ફનેલ ટયૂબ દ્વારા તેને ચરબીયુક્ત પ્રવાહી ખોરાક આપે છે, જેથી મોનિકાની ચરબી વધતી જાય. મોનિકા માટે તે ૩,૫૦૦ કેલરી ધરાવતું સ્પેશિયલ શેક તૈયાર કરે છે. ઉદરતૃપ્તિ પછી મોનિકાને સોફા પરથી ઉભા થવામાં કે પથારી પરથી ખસેડવામાં સિડ જ મદદ કરે છે.

સૌથી જાડી સ્ત્રીનો વિશ્વવિક્રમ રચવાની વિવાદાસ્પદ યોજના છતાં મોનિકા અને સિડ બાળકો માટે પ્લાનિંગ કરે છે. મોનિકા કહે છે કે હું પથારીમાં રહીને પણ બાળકોનો ઉછેર કરીશ. અમે સારા પેરન્ટ્સ બની રહીશું. ઘરમાં મદદ માટે આયા પણ રાખીશ.

ફોર્ટવર્થ, ટેક્સાસ (યુએસએ)ની મોનિકા શરુઆતથી જ ઓવરવેઈટ હતી અને બે વર્ષ અગાઉ તો બેરિયાટ્રિક સર્જરી કરાવી શરીર ઘટાડવા માગતી હતી, પરંતુ અચાનક નવી ધૂન ભરાઈ જતાં છેલ્લી ઘડીએ નિર્ણય બદલી શરીર વધુ વધારવાના માર્ગે આગળ વધી છે. ચાર મહિના અગાઉ જ સિડની સાથે ઓનલાઈન મુલાકાત થયા પછી ૩૮ની સાઈઝ ધરાવતી મોનિકાએ દિવસની ૮,૦૦૦ કેલરીનો ખોરાક લઈ લગભગ ચાર સ્ટોન એટલે કે ૨૫ કિલો ગ્રામ વજન વધારી દીધું છે.

મોનિકા પોતાના વધતા વજનનો ઉપયોગ કમાણી માટે પણ કરે છે. સિડ દ્વારા ફેનલ ફીડિંગ, પેટને હલાવવા સહિતના કાર્યક્રમ ઓનલાઈન આપી આવક રળે છે. તેના ઓનલાઈન પ્રશંસકોની સંખ્યા ૨૦,૦૦૦ છે. જોકે, મોનિકાની માતા ટેરિને આ ગમતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter