છ કરોડ વર્ષ પુરાણી ગુફામાં ભોજન લેતી વખતે કેવી લાગણી અનુભવો છો?! જોર્ડનના ૬૯ વર્ષીય જ્યોર્જ હદ્દાદીન ઘણી વાર પોતાની રેસ્ટોરાંમાં ભોજન કરનારા ગ્રાહકોને આ સવાલ પૂછે છે. આ ગુફા જોર્ડનના મદાબા શહેરમાં છે. કોરોના કાળમાં લગભગ એક વર્ષ બંધ રહ્યા પછી આ રેસ્ટોરાં ફરી સ્વાદશોખીનો માટે ખુલ્લી ગઇ છે. વ્યવસાયે ઇતિહાસવિદ્ હદ્દાદીન કહે છે કે, એક વાર મારા ઘરની પાછળના પાર્કિંગમાં મારું ધ્યાન કપાયેલા પથ્થરો પર પડ્યું, મને ઉત્સુક્તા થઇ... અને તપાસ કરી તો મને આ ઐતિહાસિક ગુફા મળી. આ પછી મેં લોકોને જોર્ડનની પ્રાચીન સંસ્કૃતિથી માહિતગાર કરાવવા તેને રેસ્ટોરાંમાં બદલી નાંખી. આજે સેંકડો આ રેસ્ટોરાંની મુલાકાતે આવે છે, અને લિજ્જતદાર ભોજનની મજા માણવાની સાથે સાથે પૌરાણિક સંસ્કૃતિનો ઐતિહાસિક નજારો પણ નિહાળે છે.