કૈથલ (હરિયાણા)ઃ અમેરિકાની ૬૫ વર્ષની એક વૃદ્ધાએ આઠ મહિના પહેલા જ ફેસબુક ફ્રેન્ડ બનેલા હરિયાણાના ૨૭ વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા છે. કૈરન લિલિયન એબનર નામની આ મહિલાના પતિનું થોડા વર્ષો અગાઉ એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ગયા સપ્તાહે તે પોતાનાથી ૩૮ વર્ષ નાના પ્રવીણ સાથે લગ્ન કરવા અમેરિકાથી હરિયાણાના કૈથલમાં પ્રવીણના ગામે પહોંચી હતી. અને બન્ને શીખ રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાયા.
પ્રવીણ અને કૈરનની લવ સ્ટોરીની શરૂઆત નવેમ્બર ૨૦૧૭માં થઇ હતી. શરૂમાં બન્ને ફેસબુક ફ્રેન્ડ્સ બન્યા. થોડાક જ સમયમાં તેમની દોસ્તી પ્રેમમાં પરિણમી. બન્ને એકબીજા સાથે નિયમિતપણે વીડિયો કોલથી વાતો કરતા હતા. સંબંધ ગાઢ બન્યો અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કૈરનને તો સવાલ નહોતો, પરંતુ પ્રવીણને પરિવારજનોના વિરોધની આશંકા હતી. જોકે પરિવારજનો સંબંધ સ્વીકારવા તૈયાર થઇ ગયા. અને ૨૨ જૂને ઘડિયા લગ્ન લેવાયા. કૈરન ૧૫ જૂને ભારત આવી હતી અને ૧૮ જુલાઇએ અમેરિકા પરત ફરશે. આ પહેલાં નવદંપતી ભારતના વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લઇને હનીમૂન મનાવશે.
પ્રવીણે ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે પણ તેના અભ્યાસને અનુરૂપ જોબ ન મળતા મિસ્ત્રીકામ કરીને પરિવારનો નિર્વાહ ચલાવે છે. પ્રવીણ કહે છે કે કૈરન એક મહિના પછી અમેરિકા જવાની છે પણ તે ફરી પાછી ભારત આવશે. પ્રવીણે પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે. પ્રવીણ પહેલા તો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જશે. જો તેને અમેરિકામાં કાયમી વિઝા નહીં મળે તો કૈરન ભારત આવીને કાયમી ધોરણે અહીં જ ઘરસંસાર માંડવા તૈયાર છે.