બટાલાઃ પંજાબમાં બટાલાના તલવંડી ઝિયુરાના ૬૬ વર્ષના બળવંતસિંહ દરરોજ ઘોડાની સાથે બે કિલોમીટરની રેસ લગાવે છે. શરીર એટલું ચુસ્તદુરસ્ત છે કે પોતાના ગામથી ૩૧ કિલોમીટર દૂર ગુરદાસપુર સુધી દોઢ કલાકમાં પહોંચવાનો દાવો કરે છે. બળવંતસિંહ અત્યાર સુધી રેસમાં ૧૦૦થી વધુ મેડલ્સ, સર્ટિફિકેટ્સ જીતી ચૂક્યા છે. બળવંતસિંહ જ નહીં, તેમનો ઘોડો અને કૂતરો પણ તેમની સાથે દોડવા ટેવાયેલા છે.
ઘોડા સાથે દોડવાને કારણે લોકો તેમને ‘બળવંત ઘોડા’ના નામે બોલાવે છે. આટલું દોડવા છતાં બળવંત ક્યારેય હાંફતા નથી. તેમને બાળપણથી જ દોડવાનો શોખ છે. થોડા દિવસો પહેલાં અટારી બોર્ડરે બીએસએફ દ્વારા આયોજિત રેસમાં પ્રથમ અને મુંબઈની રેસમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
બળવંતસિંહ કહે છે કે બાળપણમાં તેઓ સસલાં અને કૂતરાંઓ સાથે દોડતા હતા. તેમનું કહેવું છે કે ગમેતેટલી મુશ્કેલીઓ છતાં માણસે ક્યારેય થાકવું જોઈએ નહીં. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને ત્રણ પુત્રો છે.