ન્યૂ યોર્કઃ હોલિવૂડની ફિલ્મો બે કલાકની હોય છે અને બોલિવૂડની ફિલ્મો ત્રણ કલાકની. ફિલ્મ હોલિવૂડની હોય કે બોલિવૂડની તેનું ટ્રેલર તો માંડ ત્રણ-ચાર મિનિટનું જ હોય. પણ કોઇ તમને કહે કે એક ફિલ્મનું ટ્રેલર સાત કલાકથી વધુ લાંબુ છે અને ફિલ્મનું ડ્યુરેશન એક મહિનો લાંબુ છે?! આપણને તે વ્યક્તિ ભેજાગેપ જ લાગે. પરંતુ જરા થોભો. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. હોલિવૂડમાં ખરેખર આવી ફિલ્મ તૈયાર થઇ રહી છે.
ફિલ્મના દિગ્દર્શક આંદ્રેસ વેબર્ગ સ્વીડનના છે અને ફિલ્મનું નામ છે 'એમ્બિયન્સ'. આ ફિલ્મનું ટ્રેલર ૨૦૧૮માં રિલીઝ કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનો કુલ સમય ૭૨૦ કલાકનો હશે જ્યારે ફિલ્મ એક મહિના સુધી ચાલશે. આ સંપૂર્ણ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રિલીઝ થશે તેવી જાહેરાત થઇ છે.
આ ફિલ્મનું ટીઝર વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયું હતું, જે ૭૨ મિનિટનું હતું. ત્યાર બાદ આ જ વર્ષે ૨૦૧૬માં આવેલું તેનું પ્રથમ શોર્ટ ટ્રેલર ૧૯ એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ૭ કલાક અને ૨૦ મિનિટનું છે. જ્યારે ૨૦૧૮માં લોન્ચ થનારું ટ્રેલર ૭૨ કલાકનું હશે.