મુંબઇઃ ભારતમાં તબીબી ક્ષેત્રે તાજેતરમાં બે એવી આશ્ચર્યજનક ઘટનાઓ નોંધાઇ છે જેની નોંધ વિશ્વભરના અખબારી માધ્યમોમાં લેવાઇ છે. તામિલનાડુની એક ઘટનામાં બાળકના મોંમાંથી ૫૨૬ દાંત કાઢવામાં આવ્યા છે તો પશ્ચિમ બંગાળમાં એક મહિલાના પેટમાંથી દોઢ કિલો દાગીના અને ૯૦ સિકકા કાઢવામાં આવ્યા છે.
પહેલા વાત કરીએ તામિલનાડુની. રાજધાની ચેન્નઈમાં સાત વર્ષના બાળક રવીન્દ્રનાથનાં મોમાં સર્જરી કરીને ડોકટરોએ ૫૨૬ દાંત કાઢ્યા છે. આ દાંત જડબાના હાડકામાં એવી રીતે લાગેલાં હતા કે તે બહારથી દેખાતા જ ન હતા. સર્જરી હવે બાળકનાં મોમાં ૨૧ દાંત જ બચ્યા છે. રવીન્દ્રના ડાબા ગાલ પર સોજો જોઈને તેનાં માતા-પિતાને લાગ્યું કે તેના દાંત સડી ગયા છે. જોકે, તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેના જડબાની નીચે ૫૨૬ દાંત છુપાયેલાં છે.
સવિતા ટંડેલ મેડિકલ કોલેજના ડોક્ટરો કહે છે કે રવીન્દ્રના માતા-પિતાને સર્જરી માટે મનાવતાં થોડીક જ મિનિટ લાગી, પણ બાળકને મનાવતાં કેટલાય કલાકો નીકળી ગયા હતા. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી. ડોક્ટર સેંથિલનાથને કહ્યું કે, તબીબી સર્જરીના ક્ષેત્રમાં આ એક ઉપલબ્ધિ છે. જોકે, ડોક્ટરોએ આ બીમારીનું કારણ જણાવ્યું નથી. તેમનું માનવું છે કે મોબાઈલ ટાવરના રેડિયેશન અથવા તો આનુવંશિક કારણોને કારણે આવું થઈ શકે છે. સર્જરી બાદ રવીન્દ્રે પત્રકારો સાથેની વાતચીત વેળા પોતાના મોઢાને હાથ અડકાડીને દેખાડ્યું હતું કે હવે તેના દાંત કે જડબામાં દર્દ નથી. જોકે તેને હજુ થોડોક સોજો છે, પણ તે ધીમે ધીમે ઠીક થઈ જશે, એમ ડોક્ટરોનું કહેવું છે.
હવે વાત પશ્ચિમ બંગાળની... બિરભૂમ જિલ્લાની સરકારી હોસ્પિટલની તબીબી ટીમે એક યુવતીની સર્જરી કરીને તેના પેટમાંથી ૧.૫ કિલો દાગીના અને ૯૦ ચલણી સિક્કા બહાર કાઢ્યા છે. રામપુરહત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગના વડા સિદ્ધાર્થ બિસ્વાએ જણાવ્યા પ્રમાણે આ ૨૬ વર્ષીય યુવતી માનસિક રીતે બીમાર છે અને સર્જરી કરીને તેના પેટમાંથી ચેન, નાકની રિંગ, બુટ્ટી, બંગડીઓ, હાથમાં બાંધવાના બેન્ડ, ઘડિયાળો ઉપરાંત પાંચ અને દસ રૂપિયાના સિક્કા કાઢવામાં આવ્યા છે.
ડોક્ટરે કહ્યું હતું કે અમે યુવતીના પેટમાંથી કુલ ૯૦ સિક્કાઓ કાઢ્યા છે. દાગીનાઓમાં મોટા ભાગે તાંબા અને બ્રાસના હતા તો કેટલાક દાગીના સોનાના પણ હતા.
યુવતીની માતાએ કહ્યું હતું કે મારી પુત્રી માનસિક રીતે બીમાર છે. અમે છેલ્લા કેટલાક સમયથી નોંધ્યું હતું કે અમારા દાગીનાઓ ગાયબ થઈ રહ્યા છે. જોકે અમે જ્યારે પણ આ અંગે તેને કંઇ પૂછતા ત્યારે તે રડવા લાગતી હતી. બાદમાં અમે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. જોકે આમ છતાં તે કોઈકને કોઈક રીતે આવી વસ્તુઓ ગળી જવામાં સફળ રહેતી હતી. છેલ્લા બે મહિનાથી તેની તબિયત ખરાબ હતી. અમે તેને અલગ-અલગ ડોક્ટર્સ પાસે લઈ ગયા હતા. જોકે, તેમની દવાઓની કોઈ અસર તેના પર થઈ ન હતી.
બાદમાં આ યુવતીને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ એક સપ્તાહ સુધી તેના પર વિવિધ ટેસ્ટ કરીને તેનું ઓપરેશન કરીને વિવિધ વસ્તુઓ બહાર કાઢી હતી.