ગુંતુરઃ એક ખૂબ જ અસામાન્ય કહી શકાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. ૭૪ વર્ષનાં ‘દાદીમા’ને પોતાના લગ્નના ૫૪ વર્ષ બાદ માતા બનવાનું સુખ મળ્યું છે. તેણે એક સાથે બે તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો છે. મોટી ઉંમરે મહિલા માતા બની શકતી નથી એવું ભલે કહેવાતું હોય, પરંતુ તબીબી વિજ્ઞાને આવી તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી છે. તબીબી વિજ્ઞાન થકી સાકાર થયેલી આ ઘટનાને ડોક્ટર્સ વિક્રમજનક માને છે. મોટી ઉંમરમાં માતા બનવાનો વર્લ્ડ રેકોર્ડ આ મહિલાના નામે નોંધાય તો પણ નવાઇ નહીં.
૭૪ વર્ષીય મહિલાએ ઈન-વીટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) વડે ગુંતુરની એક ખાનગી હોસ્પિટલમાં જોડિયા બાળકીઓને જન્મ આપ્યો છે. માતા બનનારી મહિલાનું નામ યેરામતી મંગયામ્મા છે અને તેના પતિનું નામ રાજા રાવ છે. યેરામતી અને રાજા રાવ ગુંતુરના નેલાપારથીપાડુ વિસ્તારના રહેવાસી છે. ૨૨ માર્ચ ૧૯૬૨ના રોજ તેમણે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દરેક દંપતીની જેમ તેઓ પણ સંતાનસુખ ઝંખતા હતા, પણ આનાથી તેઓ વંચિત જ રહ્યા. અનેક તબીબી સારવાર છતાં સારા દિવસોના સંકેત ન મળતાં તેઓ નિરાશ થઈ ગયા હતા અને માતા-પિતા બનવાનું તેમનું સપનું તૂટી ગયું હતું. હવે આટલી મોટી ઉંમરે પહોંચેલા દંપતી માટે તબીબી વિજ્ઞાન વરદાનરૂપ સાબિત થતાં સંતાનસુખનું સપનું પૂર્ણ થયું છે. ગયા જાન્યુઆરીમાં તેણે આઈવીએફ પ્રક્રિયાની મદદથી ગર્ભધારણ કર્યો અને તેની કુખે ટ્વીન્સ અવતર્યાં.
પાડોશી મહિલાનું માતૃત્વ બન્યું પ્રેરણાસ્રોત
મંગાયમ્માની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને નવ મહિના સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને બાળકને જન્મ આપવા માટે સર્જરી કરવામાં આવી હતી. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી ન હોવાના કારણે તેઓ સ્વસ્થ છે અને તેમણે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે, એમ ડોક્ટર્સે જણાવ્યું હતું.
મંગાયમ્માની પાડોશી મહિલાએ ૫૫ વર્ષની ઉંમરે આઈવીએફની મદદથી માતૃત્વ મેળવ્યું હતું. આ જોઇને મંગયામ્માના મનમાં પણ માતા બનવાની ઈચ્છા ફરી જાગી હતી.
આથી મંગાયમ્મા અને રાજા રાવે ગુંતુરમાં ગાયનેકોલોજીસ્ટ ડો. અરુણાનો સંપર્ક કર્યો હતો. મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુની કેબિનેટમાં સ્વાસ્થ્ય પ્રધાન તરીકે સેવા આપી ચુકેલાં ડોક્ટર અરુણાએ મંગયામ્માના માતા બનવાના સપનાને સાકાર કરવામાં મદદ કરી હતી.
તબીબો માટે પણ પડકારજનક કેસ
મંગયામ્માની સારવાર કરનાર આઈવીએફ એક્સપર્ટ ડોક્ટર સંકયાલા ઉમાશંકરને પણ વિશ્વાસ નહોતો કે આટલી મોટી ઉંમરે મહિલા ગર્ભધારણ કરી શકશે. પરંતુ તેમણે આ કેસને એક પડકારરૂપ ગણીને હાથમાં લીધો હતો. ડોક્ટર્સની મહેનત રંગ લાવી અને મંગયામ્મા ગર્ભવતી બન્યાં હતાં. આ પછી મંગયામ્માને નર્સિંગ હોમમાં ડોક્ટર્સના સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં હતાં.
સૌથી મોટી વયે માતૃત્વઃ વિશ્વ વિક્રમ માટે દાવેદાર
૨૦૦૬માં સ્પેનની મહિલાના નામે સૌથી મોટી ઉંમરે માતા બનવાનો રેકોર્ડ હતો. તે મહિલા ૬૬ વર્ષની ઉંમરે માતા બની હતી. આ પછી સૌથી વધુ વયે માતૃત્વ ધારણ કરવાનો વિક્રમ પંજાબના અમૃતસરની દલજિંદર કૌર નામની મહિલાના નામે હતો કે જેણે ૭૨ વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો. બે વર્ષની સઘન સારવાર બાદ આ દલજિંદરે સંતાનને જન્મ આપ્યો હતો. હવે ડોક્ટર્સની ટીમ આ ઘટનાને વર્લ્ડ રેકોર્ડ સમાન માની રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનની ૬૨ વર્ષીય એક મહિલાએ આઈવીએફની મદદથી બાળકને જન્મ આપ્યો હતો.