ચેન્નઈઃ સાત-આઠ વર્ષના ટેણિયાને માતૃભાષા ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઈ શકે? આપણી કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે ચેન્નઈના આઠ વર્ષના નિયાલ થોગુલુવા નામના ટાબરિયાએ.
તામિલનાડુનો નિયાલ થોગુલુવા પોતાની આ અનોખી આવડતને લીધે માત્ર દેશમાં નહીં પણ દુનિયાભરમાં જાણીતો બની ગયો છે, કેમ કે તે ૮ વર્ષની ઉંમરમાં કુલ ૧૦૬ ભાષાઓમાં લખી અને વાંચી શકે છે. એટલું જ નહીં, તે ૧૦ ભાષામાં તો કડકડાટ વાતચીત પણ કરી શકે છે.
નિયાલને કઈ રીતે વિવિધ ભાષાઓમાં રસ પડવાનું શરૂ થયું એની તો ખબર નથી, પણ તેને નવું નવું જાણવામાં મજા પડતી હોવાથી તે નવી નવી ભાષાઓ શીખતો રહ્યો અને આજે તે ૧૦૬ ભાષાઓ વાંચતાં-લખતાં શીખી ગયો છે. નિયાલના પિતા શંકરનારાયણ પણ દીકરાના આ એચિવમેન્ટથી ખૂબ ખુશ છે. પિતાનું કહેવું છે કે હજી ગયા વર્ષે જ તેણે નવી ભાષાઓ શીખવાનું શરૂ કર્યું હતું. ઇન્ટરનેટ અને યુટ્યુબની મદદથી તે એક શતકથીયે વધુ ભાષા શીખ્યો છે. હાલમાં તે બીજી ૬ ભાષા શીખી રહ્યો છે.