પટણાઃ નાલંદા ઓપન યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં ૯૮ વર્ષીય રાજકુમાર વૈશ્યને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ છે. આ સાથે જ રાજકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનારા ભારતના સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે. પટણામાં રહેતા રાજકુમારને મેઘાલયના ગવર્નર ગંગા પ્રસાદે એમ.એ. (અર્થશાસ્ત્ર)ની ડિગ્રી એનાયત કરી હતી. ચાલુ વર્ષે સેકન્ડ ડિવિઝનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરનારા રાજકુમાર વ્હીલચેર પર બેસીને ડિગ્રી લેવા આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના બરેલીના વતની રાજકુમાર વૈશ્યે ૧૯૪૦માં બેચલર ઓફ લો (એલએલબી)ની ડિગ્રી મેળવી હતી. એલએલબી કર્યાના ૭૧ વર્ષ બાદ તેમણે એમ.એ. (અર્થશાસ્ત્ર)માં એડમિશન લીધું હતું.
રાજકુમાર વૈશ્ય પીજીની તમામ પરીક્ષાઓમાં ત્રણ કલાક સુધી બેસતા હતા. પરીક્ષા અંગ્રેજીમાં આપતા હતા. વૈશ્યને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અરજી કરનાર સૌથી વૃદ્ધ શખસ તરીકે માન્યતા આપી છે.
‘સતત પ્રયાસ કરતા રહો’
રાજકુમાર વૈશ્યે કહ્યું કે ડિગ્રી મેળવવામાં યુનિવર્સિટીએ ભરપૂર સહયોગ કર્યો. આ ઉંમરે પણ મને સુલભતાથી કોર્સ કરવામાં મદદ કરી. ભણવાની ઈચ્છા તો હજુ પણ છે, પરંતુ હવે સ્વાસ્થ્ય સાથ આપતું નથી. નવી પેઢીને હું સંદેશ આપીશ કે જીવનમાં સંઘર્ષ કરો, જીત મેળવો અને પ્રયાસ કરવાનું ક્યારેય બંધ ના કરશો. હું તેમની સામે ઉદાહરણ રજૂ કરવા માગુ છું કે જીવનમાં દરેક સમયે તક હોય છે ફક્ત પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ.’ નાલંદા યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. કે. સિંહાએ કહ્યું કે ૯૮ વર્ષની ઉંમરે ડિગ્રી ભારતવર્ષનો પ્રથમ મામલો છે. તેમણે ૯૬ની ઉંમરે ૨૦૧૫માં પીજી કરવા નામાંકન કર્યું હતું અને ૨૦૧૭માં પરીક્ષામાં સફળતા મેળવી.