પટણાઃ બિહારમાં એક વડીલે પોસ્ટ ગ્રેજ્યુએટ બનવાનું જિંદગીભર સેવેલું સ્વપ્ન જીવનની ઢળતી સંધ્યાએ સાકાર કર્યું છે. ૯૮ વર્ષની જૈફ વયના રાજકુમાર વૈશ્યે નાલંદા ઓપન યુનિવર્સિટીમાંથી એમ.એ. ડિગ્રી મેળવી છે. તેમણે બે વર્ષ અગાઉ કોઇ પણ સંજોગોમાં એમ.એ. કરવાનો નિર્ધાર કર્યો હતો અને હવે સાબિત કરી બતાવ્યું છે કે દૃઢ નિશ્ચયથી કંઈ પણ હાંસલ કરી શકાય છે. જોકે, તેઓ સ્વીકારે છે કે આ ઉંમરે વિદ્યાર્થીઓની જેમ સવારે વહેલા ઊઠીને પરીક્ષાની તૈયારીઓ કરવાનું બહુ મુશ્કેલ રહ્યું. સૌથી મોટી ઉંમરે એમ.એ.ની ડિગ્રી મેળવનાર ભારતીય તરીકે તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે. તેમણે ૨૦૧૫-૧૬માં એમ.એ. ડિગ્રી માટે એડમિશન લીધું હતું. હવે પીએચ.ડી. કરવાની તેમની કોઈ યોજના નથી.