બેંગલૂરુઃ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા રિયુઝેબલ લોન્ચ વ્હિકલ ‘પુષ્પક’ (આરએલવી એલઈએક્સ-02)નું સફળ પરીક્ષણ કરાયું છે. ‘પુષ્પક’ રિયુઝેબલ લોન્ચ વ્હિકલની લંબાઈ 6.5 મીટર, વજન 1.75 ટન છે. 22 માર્ચે થયેલા આ પરીક્ષણ દરમિયાન એરફોર્સના ચિનૂક હેલિકોપ્ટરથી 4.5 કિમીની ઊંચાઈએ ‘પુષ્પક’ને રિલીઝ કરાયું હતું. ‘પુષ્પક’નું આ ત્રીજું સફળ લેન્ડીંગ હતું. અંતરીક્ષ વિમાન ‘પુષ્પક’નું પ્રથમ સફળ ઉતરાણ 2016માં જ્યારે બીજું એપ્રિલ 2023માં થયું હતું.
સ્પેસ પ્રોજેક્ટને શું લાભ થશે?
‘પુષ્પક’ના એડ્વાન્સ વર્ઝનથી સેટેલાઇટ લોન્ચિંગ સ્પેસ સ્ટેશન માટે સામાન અને અંતરીક્ષયાત્રીને પણ લઈ જઈ શકશે. ફરીથી ઉડાન ભરી શકે તે માટે આ વિમાન ઉપગ્રહને અંતરીક્ષમાં છોડીને પરત આવશે. વર્ષ 2030 સુધીમાં ‘ઇસરો’ આ પ્રોજેક્ટ પૂરો કરશે તેમ મનાય છે.
દેશને શું લાભ થશે?
આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલો ‘પુષ્પક’ પ્રોજેક્ટ 2035 સુધી અંતરીક્ષમાં ભારતના સ્પેસ સ્ટેશનની દિશામાં મોટું પગલું ગણાય છે. તેની મદદથી કોઈ પણ દેશની જાસૂસી કરાવી શકાશે. એટલે સુધી કે હવાઇ હુમલો પણ કરી શકાશે. ‘પુષ્પક’ ડાયરેક્ટેડ એનર્જી વેપન (ડીઈડબલ્યુ)થી અંતરીક્ષમાં જ શત્રુના ઉપગ્રહને તોડી પાડશે. આ ઉપરાંત અવકાશમાંથી કચરો સાફ કરવા તથા ઉપગ્રહોના સમારકામ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે.