‘ગુનેગારોની નર્સરી’

રૂ. 2 લાખ આપોઃ ચોરીમાં ગ્રેજ્યુએટ બનો

Sunday 01st September 2024 10:55 EDT
 
 

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 117 કિલોમીટરના અંતરે આવેલાં ત્રણ ગામનાં નામ અને કામ અખબારોમાં ચમકી ગયાં છે. આ ત્રણેય ‘ગુનેગારોની નર્સરી’ તરીકે કુખ્યાત છે. કડિયા, ગુલખેડી અને દુલખેડી નામના આ ત્રણ ગામમાં બાળકોને ચોરી, લૂંટ અને ધાડ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અસામાજિક તત્વોનું વર્ચસ ધરાવતા આ વિસ્તારમાં પોલીસ પણ સાવધાનીપૂર્વક કામ કરે છે. 12 કે 13 વર્ષની વયનાં બાળકોને તેમનાં માતા-પિતા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓની તાલીમ માટે આ ગામોમાં મોકલાય છે. માતા-પિતા અહીં આવે અને ગેંગના નેતાઓ સાથે મુલાકાત કર્યા પછી નક્કી કરે છે કે તેમના બાળકને ‘શ્રેષ્ઠ શિક્ષણ’ કોણ આપશે. આ અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટે પરિવારે રૂ. 2થી 3 લાખ સુધી ફી ચૂકવે છે. જેમાં બાળકોને વિવિધ ગુનાહિત કૃત્યો શીખવાય છે. જેમ કે પિકપોકેટિંગ, ભીડવાળી જગ્યાએ બેગ છીનવવી, ઝડપથી દોડવું, પોલીસથી બચવું અને જો પકડાઈ ગયા તો માર સહન કરવો. આ ગામો એવા ગુનેગારોને જન્મ આપે છે જે આખા દેશમાં માથાનો દુઃખાવા સમાન બની રહે છે. ઉદાહરણ તરીકે ગત આઠમી ઓગસ્ટે જયપુરની હયાત હોટલમાં હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિના લગ્નમાં એક સગીર ચોરે રૂ. 1.5 કરોડનાં ઘરેણાં અને રૂ. 1 લાખની રોકડ ભરેલી બેગની ધોળા દિવસે ચોરી કરી હતી. આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપીને આ લોકો મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયામાં ભાગી જાય છે. અહીં તેઓ પહેલાં તો ચોરેલા સામાનને છુપાવવાનું કામ કરે છે અને પછી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter