ગુવાહાટીઃ આસામના ગુવાહાટીમાં તાજેતરમાં ટી ઓક્શન સેન્ટર (જીટીએસી)માં ગોલ્ડન પર્લ ચા પત્તીની રેકોર્ડ બોલી લાગી. દિબ્રૂગઢની આ સ્પેશિયલ ચા પત્તીના એક કિલોના પેક માટે આસામ ટી ટ્રેડર્સે ૯૯,૯૯૯ રૂપિયાની બોલી લગાવી. બે મહિનામાં બીજી વાર કોઇ કંપનીની એક કિલો ચા પત્તી ૯૯,૯૯૯ રૂપિયામાં વેચાઇ છે. આ અગાઉ ગયા ડિસેમ્બરમાં ગોલ્ડન બટરફ્લાય ચા પત્તી (મનોહારી ગોલ્ડ ટી) પણ આ ભાવે વેચાઇ હતી. ૯૯,૯૯૯ રૂપિયા દેશમાં કોઇ પણ ચા પત્તીની અત્યાર સુધીની મહત્તમ બોલી છે. જીટીએસીના સેક્રેટરી પ્રિયાનુજ દત્તાએ જણાવ્યું કે ગોલ્ડન પર્લ ટી દિબ્રૂગઢ જિલ્લાના નાહોરચુકબારી કારખાનામાં તૈયાર કરાઇ છે. ગુવાહાટીમાં થયેલી હરાજીમાં ઘણી મોટી ટી કંપનીએ ભાગ લીધો હતો પણ ગોલ્ડન પર્લ ટી સર્વશ્રેષ્ઠ ગણાઇ અને ખરીદદારોએ તેના માટે સૌથી ઊંચી બોલી લગાવી. તમે વિચારતા હશો કે આટલી ઊંચી બોલી લાગ્યા બાદ હવે ગોલ્ડન પર્લ ટી તે કિંમતે જ વેચાશે, પણ એવું નથી. મૂળે આ બોલી માત્ર એક કિલો ચા માટે લગાવાઇ હતી. તે ખરીદનારા આસામ ટી ટ્રેડર્સ આસામની હાઇ સ્પેશિયાલિટી ટીના સૌથી મોટા ખરીદદાર તરીકે ઓળખાય છે.