મુંબઈઃ ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના ચાર જ દિવસમાં વસૂલ થઈ ગયો છે. આ ઉપરાંત ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના 20થી વધુ રેકોર્ડ પણ સર્જ્યા છે.
અધધધ કમાણી સાથે ‘પુષ્પા-ટુ’ પહેલા વીક એન્ડમાં દુનિયાભરની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે ચાર દિવસમાં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર કુલ રૂ. 800.50કરોડનું કલેકશન કર્યું છે.
‘દંગલ’નો રેકોર્ડ તૂટશે?
આ સાથે જ ફિલ્મે કમાણીની આંધીમાં ‘બાહુબલી-ટુ’થી લઇને ‘આરઆરઆર‘, ‘કેજીએફ ટુ’, ‘જવાન’, ‘એનિમલ’ અને ‘પઠાણ’ જેવી ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે. હવે લોકોની નજર આ ફિલ્મ આમિર ખાનની ‘દંગલ’નો આઠ વરસ જૂનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં તેના પર છે. ‘દંગલ’ અત્યાર સુધીમાં વિશ્વભરમાં અધિક કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ગણાય છે. તેનું લાઈફટાઈમ વર્લ્ડવાઈડ કલેક્શન 2070.30 કરોડ રૂપિયા છે.
પાંચ ભાષામાં રિલીઝ
‘પુષ્પા-ટુ’ પાંચ ભાષાઓમાં રિલીઝ થઇ છે, જેનું કલેકશન 529.00 કરોડ રૂપિયા થયું છે. તેમજ ગ્રોસ કલેકશન 632.50 રૂપિયા થયું છે. હિંદી વર્ઝનમાં પણ પહેલા ત્રણ દિવસમાં તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
ભારતીય બોક્સ ઓેફિસ પર પહેલા વીકએન્ડમાં જ 500 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ ‘પુષ્પા-ટુ’ના નામે થઇ ગયો છે. હિંદીમાં તેણે પહેલા વીકએન્ડમાં મહત્તમ કમાણીનો શાહરુખ ખાનની ‘જવાન’નો રેકોર્ડ તોડયો છે.