ગુવાહટીઃ ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. જોકે આ બધામાં ‘મનોહરી ગોલ્ડ ટી’ નામની દુર્લભ પ્રજાતિની ચા સૌથી મોંઘી સાબિત થઇ છે. ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરમાં યોજાયેલી હરાજીમાં આ ચા ૫૦ હજાર રૂપિયે કિલોના ભાવે વેચાઇ છે. ઓક્શન સેન્ટરના દિનેશ બિનાનીના દાવા પ્રમાણે ‘મનોહરી ગોલ્ડ ટી’ કોઇ પણ જાહેર હરાજીમાં વેચાયેલી ચાની સૌથી મોંઘી જાત છે.
માંજિલાલ માહેશ્વરી નામના ચાના વેપારીએ કિલોના ૫૦ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયા ચૂકવીને બે કિલો ‘મનોહરી ગોલ્ડ ટી’ ખરીદી છે. આ જ વેપારીએ ગયા વર્ષે પણ આ ચા બે કિલો ખરીદી હતી. ‘મનોહરી ગોલ્ડ ટી’ માત્ર આ વર્ષે જ ઊંચા ભાવે વેચાઇ છે એવું નથી, ગયા વર્ષે આ ચા કિલોના ૩૯૦૦૧ રૂપિયાના ભાવે વેચાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે - ૨૦૧૮માં સૌથી મોંઘી ચાનો વિક્રમ ‘ગોલ્ડન નીડલ ટી’ના નામે નોંધાયો હતો. અરુણાચલ પ્રદેશના પોલો ટી એસ્ટેટની આ ચા ૪૦ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી.
ઉત્તરીય આસામના દિબ્રુગઢમાં આવેલા મનોહરી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે માત્ર પાંચ કિલો ‘મનોહરી ગોલ્ડ ટી’ તૈયાર થઇ હતી. આ ચાને તૈયાર કરવાનું કામ ખુબ જ કપરું હોવાનું તેમણે કહ્યું હતું. તેમના મતે આ વર્ષે હવામાને સાથ ન આપતા માત્ર પાંચ જ કિલો ચા તૈયાર થઇ છે.
આ ચાને કુણી કુણી પાંદડીઓની બદલે નાની કળીઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ કળીઓને મે અને જૂન મહિના દરમિયાન વહેલી સવારના સમયે બહુ ધ્યાનપૂર્વક તોડવામાં આવે છે અને પછી તેની લિજ્જત અને ગુણવત્તામાં સહેજ પણ ઘટાડો ન થાય તે રીતે ચીવટપૂર્વક પ્રોસેસિંગ કરવામાં આવે છે.