દહેરાદૂનઃ ‘હિમાલયન વાયગ્રા’ના નામથી જાણીતી કીડા જડી નામની વનસ્પતિ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરામાં છે. ૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર થતી જંતુ પ્રકારની આ કીડા જડી વિશિષ્ટ બંધારણ ધરાવે છે. માત્ર હિમાલયના ઊંચા પ્રદેશોમાં એક પતંગિયાના લાર્વા પર ફૂગના સંક્રમણથી બનતી આ વનસ્પતિનું મૂલ્ય સોના કરતાં ત્રણ ગણું અંકાય છે.
જાણકારોના મતે આ કીડા જડી વિશ્વની સૌથી કિંમતી જૈવિક વસ્તુ છે. વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયું ન હોવા છતાં ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં નપુંસકતાથી માંડીને કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવારમાં કીડા જડીનો ઉપયોગ થાય છે. સવિશેષ તો પૌરુષત્વ વધારવા માટે તેનો વધુ વપરાશ થતો હોવાથી તેને ‘હિમાલયન વાયગ્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરાખંડ, નેપાળ અને તિબેટમાં સ્થાનિક જાણકારો વરસાદી મોસમના બે મહિના દરમિયાન કીડા જડીની શોધ માટે નીકળે છે, અને નસીબવંતા લોકોને તે મળી પણ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કીડા જડીને શોધવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે.
અંગ્રેજીમાં કેટર પિલર ફંગસ તરીકે ઓળખાતી કીડા જડીનું વાનસ્પતિક નામ કાર્ડિસેપ્સ સાઈનોન્સિસ છે. આ વનસ્પતિનો અડધો ભાગ જમીનની અંદર અને અડધો ઉપર હોય છે. સામાન્ય રીતે તેની લંબાઈ ૭થી ૧૦ સેન્ટીમીટરની હોય છે. તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં યારસા ગંબુના નામે ઓળખાતી આ કીડા જડી બહુ મૂલ્યવાન ગણાય છે. ચીન અને તિબેટમાં આ કીડા જડી સોના કરતાં ત્રણ ગણી કિંમતે વેંચાય છે અને અનેક વખત તે એવા જીવલેણ ઝઘડાનું કારણ બની છે જેમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હોય. નેપાળ અને તિબેટમાં અગાઉ તેના પર પ્રતિબંધ હતો, જે ૨૦૦૧માં હટાવી લેવાયો છે જ્યારે ભારતમાં તેનો ગેરકાયદે ઉપયોગ થાય છે.
આ વનસ્પતિના વેપાર સાથે સંકળાયેલા લોકોએ તિબેટ વિસ્તારમાં ૮૦૦થી વધુ સ્થાનિક લોકોને રૂબરૂ મળીને જાણકારી મેળવી હતી તેમજ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાનનો અભ્યાસ કર્યો હતો. જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે આ કીડા જડીના અસ્તિત્વ પર ખતરો મંડરાય રહ્યો છે. કેલી હોપિંગ નામના એક સંશોધકના જણાવ્યા મુજબ આ ઔષધિનો વપરાશ વધ્યો હોવાથી તેની માગ વધી છે તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની પણ વિપરિત અસર જોવા મળી
રહી છે.