વેસ્ટ એન્ડ-અોકસફર્ડ સ્ટ્રીટ નજીકની ધ કોર્ટ હાઉસ હોટેલમાં ગયા ગુરૂવારે (૭ જુલાઇએ) UTV પ્રમોશન પીકચર, અાશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ઐતિહાસિક ફિલ્મ "મોહનજોડેરો"નો એક્સકલુઝીવ મિડિયા પ્રીવ્યુ યોજાયો હતો. સવારે ૧૧.૩૦ વાગ્યે યોજાયેલ અા પ્રીવ્યુમાં લંડનસ્થિત પત્રકારો અને ટીવી- રેડિયો પ્રવક્તા સમક્ષ "મોહન જોડેરો"ની થોડી ઝલક દર્શાવી હતી. એ વેળાએ અાશુતોષ ગાવરીકરે જણાવ્યું કે, “હું અાર્કિઅોલોજીસ્ટ નથી પણ મને ઇતિહાસ બહુ ગમે છે. ભગવાન બુધ્ધના જન્મ પહેલાં ૨૫૦૦BCEના સમયકાળ દરમિયાન વિશાળ સિંધુ નદીને કિનારે અફઘાનિસ્તાન, બલુચીસ્તાન, સિંધ-પાકિસ્તાનથી લઇ ઠેઠ કચ્છ-સૌરાષ્ટ્રના ધોળાવીરા, લોથલ સુધી (લગભગ ૪૮૦,૦૦૦ કિ.મીટર સુધી) વિસ્તરેલી વિશ્વની સૌથી મોટી વસાહતની પૂરાતન સંસ્કૃતિ મોહન જોડેરો, હરપ્પા વિષે અા ફિલ્મમાં રજૂઅાત કરવા પ્રયાસ કર્યો છે. ગોવારીકરે કહ્યું કે, “હું કચ્છ-ભૂજમાં "લગાન" ફિલ્મનું શૂટીંગ કરતો હતો ત્યારથી અાવી ફિલ્મ બનાવવાની તક શોધતો હતો. ધોળાવીરામાં અવશેષો જોયા પછી “મોહન જોડેરો"નું નિર્માણ કરવા દ્રઢનિશ્ચય બન્યો. એ પુરાતન સંસ્કૃતિમાં લોકો કેવા હશે, કેવો પહેરવેશ હશે, કેવી રહેણીકરણી હશે, કેવું પોલીટીક્સ હશે, કેવી લોકસંસ્કૃતિ હશે, એ વખતે પુરુષો અને મહિલાઅોના પોષાક, અાભૂષણ ઇત્યાદિ બાબત વણી લેવા "મોહન જો ડેરો"ના સંશોધક જોનાથન માર્ક કેનોયર, અાર.એસ બોઝ, કૃષ્ણપ્રસાદ, પ્રભાકર જેવા અાર્કિયોલોજીસ્ટના સંશોધનના અાધારે માહિતી એકત્ર કરવા પ્રયાસ કર્યો છે.સિંધુ નદીને કિનારે વિસ્તરેલી અા પુરાતન સંસ્કૃતિના મળેલા અવશેષો મુજબ સિંધુ નદીની માતા તરીકે અને સૂર્યદેવની ઉપાસના થતી, ખેતીપ્રધાન સંસ્કૃતિમાં ગાય, હાથી, ગેંડા, હરણ,એક શીંગડાવાળો ઘોડો (યુનિકોર્ન), અાખલો એ પશુ-પ્રાણીને પણ પ્રાધાન્ય અપાતું. ઇજીપ્સીયન સિવિલાયઝેશન સાથે ઇન્ડસવેલીનો વ્યવહાર થતો એ બાબત પણ વણી લેવાઇ છે. “મોહન જોડેરો" ફિલ્મમાં સરર્મન (રિતિક રોશન) નામનો ખેડૂપુત્ર દુશ્મનની નૃત્યાંગના દીકરી (પૂજા હેગડે)ના પ્રેમમાં પડે છે. સાથે સાથે અા ફિલ્મમાં એ સમયે સિંધુ નદી કેવી હશે, એ વખતની પ્રાકૃત અને સંસ્કૃત ભાષા નહિ પણ થોડી સિંધી ભાષાનો ટચ અાપ્યો છે. મોહન જોડેરો"ના અવશેષો મળ્યા છે એમાં વિશાળ સ્નાનાગાર મળેલું એનો પણ અા ફિલ્મમાં ઉલ્લેખ કર્યો છે.ખાસ મુલાકાતમાં રિતિક રોશને જણાવ્યું કે, “મારી કારકિર્દીની અા સૌથી અગત્યની અને મનગમતી ફિલ્મમાં મને રોલ મળ્યો છે. કચ્છ, મુંબઇ અને થોડા ઘણા અંશે જબલપુર અને થાણેમાં થયેલા ફિલ્મ શૂટીંગ વખતે હું પાત્રમાં અોતપ્રોત થઇ પૂરાતન સમયકાળમાં સરકી જતો હોય એવું અનુભવતો. “મોહન જોડેરો" મારા માટે ગ્રેટ જર્ની, એક અદ્ભૂત અનુભવ હતો. ૧૨ અોગષ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી અા ફિલ્મ મારા માટે શ્રેષ્ઠ બની રહેશે એવી અાશા રાખું છું અને ઇશ્વરને પ્રાર્થના કરું છું કે અા ઐતિહાસિક ફિલ્મ પ્રેક્ષકોને જરૂર ગમશે. સુનીતા ગોવારીકર અને સિધ્ધાર્થ રાવ કપૂર નિર્મિત ફિલ્મ "મોહન જોડેરો"ના ગીત જાવેદ અખ્તરે લખ્યા છે અને સંગીત અાર. રહેમાને અાપ્યું છે.