કિન્હાસાઃ $૧૩૮ મિલિયનની કથિત ઉચાપત થઈ હોવાનું જણાતા DR કોંગોના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ કબીલા અને તેમના સહયોગીઓ સામે કિન્હાસામાં તપાસ શરૂ થઈ હતી.'કોંગો હોલ્ડ અપ' ટાઈટલ હેઠળ આંતરરાષ્ટ્રીય મીડિયા અને NGOs દ્વારા કરાયેલી તપાસ ગયા શુક્રવારે પ્રસિદ્ધ થઈ હતી. કબીલા અને તેમના પરિવાર પર સરકારી તિજોરીમાંથી લગભગ $૧૩૮ મિલિયનની કથિત ઉચાપત કરી હોવાનો આરોપ છે. આ તપાસના લેખકોના જણાવ્યા મુજબ ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે આ ઉચાપત થઈ હતી. આ રકમની ઉચાપત BGFI RDC Bank (DRCમાં ગેબન સ્થિત બેંકિંગ ગ્રૂપBGFI Bankની સબસિડિયરી) ની સંડોવણી સાથે થઈ હતી. બેંકમાં કબીલાની નીકટના લોકોનું હિત અને જવાબદારી હતી. આ તપાસને લીધે DR કોંગોમાં ખળભળાટ મચી ગયો છે.
આ તપાસ ફ્રેંચ ઓનલાઈન ઈન્વેસ્ટિગેટિવ મીડિયા 'મીડિયાપાર્ટ' અને NGO 'પ્લેટફોર્મ ફોર ધ પ્રોટેક્શન ઓફ વ્હીસલબ્લોઅર્સ ઈન આફ્રિકા'એ મેળવેલા ૩.૫ મિલિયન ગુપ્ત બેંકિંગ ડોક્યુમેન્ટ્સ પર આધારિત છે. છ મહિના સુધી આ ડેટાનું ૧૯ ઈન્ટરનેશનલ મીડિયા અને પાંચ
NGO એ વિશ્લેષણ કર્યું હતું.
કોમ્યુનિકેશન મિનિસ્ટર તેમજ સરકારી પ્રવક્તા પેટ્રિક મુયાયાએ પત્રકારોને જણાવ્યું હતું કે જસ્ટિસ મિનિસ્ટરે ૨૦ નવેમ્બરે પ્રોસિક્યુટર્સ ઓફિસને લેખિત જાણ કરી હતી. તેમણે તપાસ અને પ્રોસિક્યુશનના હેતુસર મનાઈહુકમ આપ્યો હતો. મુયાયાએ ઉમેર્યું હતું કે સરકાર તરીકે તેઓ આ પ્રકારના આક્ષેપો પ્રત્યે અસંવેદનશીલ રહી શકે નહી.