નાઈરોબીઃ કેન્યાના સ્પેસ પ્રોગ્રામમાં લેન્ડમાર્ક સિદ્ધિ તરીકે સૌપ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ લોન્ચ કરાયો છે. કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી 11 એપ્રિલે SpaceX ફાલ્કન9 રોકેટ પરથી કેનેડાના ટાઈફા-1 લોન્ચ કરાયો હતો. સ્વાહિલી ભાષામાં ટાઈફા-1નો અર્થ એક રાષ્ટ્ર થાય છે.
ડિફેન્સ મિનિસ્ટ્રી અને કેન્યા સ્પેસ એજન્સીએ જણાવ્યું છે કે,‘આ મિશન મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને દેશની પાંગરી રહેલી સ્પેસ ઈકોનોમીને નોંધપાત્ર યોગદાન આપશે. કેન્યાના એન્જિનીઅર્સ દ્વારા સંપૂર્ણ ડિઝાઈન અને વિકસિત કરાયેલા ઓબ્ઝર્વેશન સેટેલાઈનો ઉપયોગ એગ્રિકલ્ચર અને ફૂડ સિક્યોરિટી સહિતના ક્ષેત્રોમાં ડેટા પૂરો પાડવા કરાશે. ઈસ્ટ આફ્રિકાનું આર્થિક પાવરહાઉસ કેન્યા પાંચ વર્ષાઋતુની નિષ્ફળતા પછી ગંભીર દુકાળનો સામનો કરી રહ્યું છે. સેટેલાઈટનું પરીક્ષણ અને કેટલાક પાર્ટ્સનું ઉત્પાદન બલ્ગેરિયાની એરોસ્પેસ ઉત્પાદક કંપનીના સહકારમાં કરાયું છે.
ઈજિપ્ત 1998માં સ્પેસમાં સેટેલાઈટ મોકલનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો હતો. કેન્યાએ 2018માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પ્રથમ એક્સપરિમેન્ટલ નેનોસેટેલાઈટ લોન્ચ કર્યો હતો. નાઈજિરિયાની કંપની સ્પેસ ઈન આફ્રિકાના જણાવ્યા મુજબ ઈથિયોપિયા, અંગોલા, સાઉથ આફ્રિકા, સુદાન સહિત 13 દેશોએ 48 સેટેલાઈટ્સનું ઉત્પાદન કર્યું છે તેમજ નવેમ્બર 2022 સુધીમાં 50થી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરાયા છે પરંતુ, આફ્રિકાની ધરતી પરથી કોઈ સેટેલાઈટ લોન્ચ કરાયો નથી.