આજના મોંઘવારીના જમાનામાં આમ આદમીને એક પત્ની અને સંતાનોનું ભરણપોષણ કરતાં પણ ફાંફા પડી જાય છે, પણ કેન્યાના રોઝ ડેવિડની વાત અલગ છે. તેને 15 પત્ની અને 107 બાળકો છે. 61 વર્ષનો આ શખસ એક ગામમાં બધી પત્નીઓ અને સંતાનો સાથે રહે છે. કદાચ તેણે પોતે જ એક આખું ગામ વસાવી લીધું છે તેમ કહી શકાય.
રોઝ ડેવિડ આટલા વિશાળ પરિવારને મેનેજ કઇ રીતે કરે છે?! પ્રશ્નના જવાબમાં ડેવિડ કહે છે કે તેણે બધી પત્નીઓ માટે જુદી જુદી ફરજો નક્કી કરી રાખી છે જેથી તેનું જીવન સરળતાથી ચાલી શકે. ડેવિડનો દાવો છે કે તે રાજા સુલેમાન જેવો છે, જેને 700 પત્નીઓ હતી.
ડેવિડનું કહેવું છે કે તેનું મગજ જબરજસ્ત તેજ છે અને તેથી એક સ્ત્રી તેને સંભાળી શકે તેમ નથી. તેણે કહ્યું કે જો મને કેટલીક મુશ્કેલી નડી ના હોત તો મને ઓછામાં ઓછી 20 પત્નીઓ હોત.
ડેવિડ જ આટલી બધી પત્નીઓથી ખુશ છે એવું નથી, તેની તમામ પત્નીઓ પણ તેની સાથે અત્યંત ખુશ જણાય છે. પત્ની જેસિકાને ડેવિડથી 13 બાળકો છે. અને તેમાંથી બેના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેસિકા કહ્યું હતું કે અમે શાંતિ અને એકસંપ થઇને રહીએ છીએ. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. અન્ય પત્ની ડુરીનનું કહેવું છે કે મને કોઈની ઈર્ષ્યા નથી. અમે એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ. જ્યારે અન્ય પત્ની રોઝનું કહેવું છે કે અમે સારું જીવન જીવીએ છીએ. રોઝ ડેવિડની સાતમી પત્ની છે અને તેણે ડેવિડના 15 બાળકોને જન્મ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ 39 પત્ની અને 94 સંતાન ધરાવતો વ્યક્તિ મિઝોરમમાં હતો. તેને 33 પૌત્રો પણ હતા. તેનું 15 જૂને 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેનો દાવો હતો કે તેનું કુટુંબ વિશ્વનું મોટું કુટુંબ છે. તેનું નામ ઝિયોના ચાના હતું.