નાઈરોબીઃ કેન્યામાં એકલા ગેંડાનું પુનઃ સ્થળાંતર કરવાના મહા પ્રોજેક્ટનો મંગળવાર 16 જાન્યુઆરીએ આરંભ કરાયો છે જેમાં, ત્રણ કન્ઝર્વેશન પાર્કમાંથી નર અને માદા 21 કાળા ગેંડાનું ખાનગી લોઈસાબા કન્ઝર્વન્સીમાં સ્થળાંતર કરાયું હતું. લુપ્તપ્રાય થવાના આરે આવેલી પ્રજાતિના પ્રાણી ગેંડાને શોધી, તેમને બેભાન કરી, ટ્રક્સમાં સેંકડો માઈલની મુસાફરી કરી નવા રહેઠાણે મોકલવાનું કાર્ય ભારે કપરું છે.
ઈસ્ટ આફ્રિકન દેશ કેન્યામાં 2018માં પણ ગેંડાને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ, સ્થળાંતરિત કરાયેલા તમામ 11 ગેંડા નવા રહેઠાણમાં મોતનો શિકાર બન્યા હતા. નવા પ્રોજેક્ટમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી જ્યારે ટ્રાન્ક્વિલાઈઝર તીરથી પણ ગેંડા શાંત થયા ન હતા અને તેમને દોરડાંથી કાબુમાં લેવાના પ્રયાસો પણ નિષ્ફળ નીવડ્યા હતા. ત્રણ કન્ઝર્વેશન પાર્કમાં ગેંડાની વસ્તી વધી ગઈ હોવાથી તેમનું સ્થળાંતર જરૂરી બન્યું હતું. વાઈલ્ડલાઈફ અધિકારીઓના જણાવ્યા મુજબ આ મુશ્કેલ પ્રોજેક્ટ ઘણા સપ્તાહો લઈ શકે છે. વિશ્વમાં હાલ માત્ર 6,487 જંગલી ગેંડા છે જેમાં સાઉથ આફ્રિકા અને નામિબીઆમાં સૌથી વધુ છે. ત્રીજા ક્રમે કેન્યામાં હાલ બ્લેક ગેંડાની વસ્તી 1,000 છે જે 1980ના દાયકામાં ઘટીને 300થી પણ નીચે ગઈ હતી.