ઝાંઝીબાર સિટી/નાઈરોબીઃ ઈસ્ટ આફ્રિકાના ટાપુસમૂહ ઝાંઝીબારના ઈકો-ટાઉન ફુમ્બા ખાતે 96 મીટર ઊંચા બુર્જ ઝાંઝીબારના નિર્માણથી વિશ્વમાં ઝાંઝીબારનું નામ ઊંચું આવી શકે છે. આ સૂચિત ટાવરના નિર્માણમાં સ્થાનિક લાકડાનો ઉપયોગ કરાનાર છે. ઝાંઝીબાર સિટી નજીકના આ ભવિષ્યના સિટીમાં સંખ્યાબંધ ટેક કંપનીઓ અને વિશ્વભરના લોકો વસે છે.
ઝાંઝીબાર એ 828 મીટરના બૂર્જ ખલીફા સાથેનું દુબાઈ નથી પરંતુ, આ નાના દેશ માટે તેનું વિશેષ મહત્ત્વ છે. ઝાંઝીબારની સરકાર વિશ્વની સૌથી ઊંચી ગ્રીન ઈમારત, 28 માળના લાકડાનાં ટાવર ‘બુર્જ ઝાંઝીબાર’નાં નિર્માણની યોજના ધરાવે છે. યુએસ, સ્વિટ્ઝર્લેન્ડ, સાઉથ આફ્રિકા, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રિયા અને અન્ય દેશોના સ્પેશિયાલિસ્ટોના કહેવા મુજબ ‘બુર્જ ઝાંઝીબાર’ ઈન્ડિયન ઓશનમાં જ નહિ, સમગ્ર આફ્રિકા માટે પર્યાવરણીય સીમાચિહ્ન બની રહેશે. સમુદ્રતટે નવનિર્મિત આ ટાવરમાં 266 ઘર બનશે જેની કિંમત 65,000થી 785,000 પાઉન્ડની વચ્ચે રહેશે. ટાવરમાં છોડવાંથી છવાયેલી બાલ્કનીઝ, રુફ ગાર્ડન્સ, ઓફિસ સ્પેસ અને સ્વિમિંગ પૂલ્સ પણ હશે. મધમાખીના પૂડા પ્રકારની ડિઝાઈન સાથેના ટાવરમાં સૌથી પુરાણા બાંધકામ મટિરીઅલ લાકડાનો ઉપયોગ કરાશે. એક ક્યુબિક મીટર લાકડું લગભગ અડધા ટન કાર્બન ડાયોક્સાઈડને શોષી લેશે તેમ નિષ્ણાતોનું કહેવું છે.
ત્રણ વર્ષમાં બની રહેનારું બૂર્જ ઝાંઝીબાર વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું લાકડાનું બિલ્ડિંગ બની રહેશે. હાલ મિલ્વાઉકીનું 87 મીટર ઊંચાઈનું એસેન્ટ ટાવર પ્રથમ સ્થાને છે. ઝાંઝીબાર દ્વીપસમૂહ, રેતાળ સમુદ્રીતટ અને ચોતરફ ફેલાયેલા નાળિયેરીના વૃક્ષો દર વર્ષે આશરે પાંચ લાખ પર્યટકોને આકર્ષે છે અને બૂર્જ ઝાંઝીબાર નવું આકર્ષણ બની રહેશે તેમાં કોઈ શંકા નથી.