નાઈરોબીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) સંધિ પર હસ્તાક્ષર કરી આ જૂથના સાતમા સભ્ય તરીકે દાખલ થયું છે. કેન્યાના પ્રમુખ અને EACના વર્તમાન ચેરમેન ઉહુરુ કેન્યાટા અને કેન્યાની મુલાકાતે આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રેસિડેન્ટ ફેલિક્સ ત્સીસેકેડી આ પ્રસંગે સાથે રહ્યા હતા. બંને નેતાઓએ એકતાનો સંદેશો આપ્યો હતો.
DRકોંગોના પ્રમુખ ફેલિક્સે જણાવ્યું હતું કે કોમ્યુનિટીના આંતરિક વેપારના લાભથી કોંગોના લોકો સંતોષ પામશે એટલું જ નહિ, તમામ માટે શાંતિ અને સુરક્ષા પર આધારિત સંબંધોની જાળવણીમાં પણ તેઓ મોખરે રહેશે.ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીના સભ્યોમાં બુરુન્ડી, કેન્યા, રવાન્ડા, સાઉથ સુદાન, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને હવે DRCનો સમાવેશ થાય છે.કિન્હાસાએ 2019માં સભ્યપદ માટે અરજી કરી હતી. હવે સભ્ય બન્યા પછી સારા પ્રાદેશિક વેપારસોદાઓ અને કોમ્યુનિટીમાં લોકોની મુકત અવરજવરના લાભ મેળવી શકશે.
કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ જણાવ્યું હતું કે DRCના પ્રવેશ સાથે સમગ્ર બ્લોકમાં 300 મિલિયન લોકોની વસ્તી અને આશરે 250 બિલિયન ડોલરની GDP જોવાં મળશે. DRકોંગો પાસે ડાયમન્ડ્સ, સોનું, તાંબુ, કોબાલ્ટ સહિત વિશાળ ખનીજસંપત્તિ ઉપરાંત અન્ય કુદરતી સ્રોતો છે પરંતુ, દેશના પૂર્વીય હિસ્સામાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. DR કોંગોના પ્રવેશથી ભારતીય મહાસાગરથી એટલાન્ટિક મહાસાગર સુધીનો કોરિડોર ખુલ્લો થશે.