કિન્શાસાઃ DR કોંગોની પાર્લામેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ જીન - માર્ક કાબુન્ડે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. તેમણે ગુંડાગીરી, અપમાન અને ત્રાસને લીધે આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું. કાબુન્ડ પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેદીના ખૂબ નીકટના સાથી છે. રાષ્ટ્રપતિના રક્ષક દળના સભ્યોએ કથિત રીતે તેમના કિન્શાસાના ઘરે દરોડા પાડ્યા અને ગાર્ડ હોવાનું મનાતી એક વ્યક્તિની ધરપકડ કરી તેના બે દિવસ પછી તેમણે રાજીનામું આપ્યું હતું.
કાબુન્ડના પરિવારે શેર કરેલા સીસીટીવી ફૂટેજમાં બુધવારે સાંજે એક વ્યક્તિની ધરપકડ કરાઈ તે પહેલા આર્મીના યુનિફોર્મમાં છ સશસ્ત્ર લોકોને તેમની મિલકતના બગીચામાં પ્રવેશતા જણાયા હતા.
સોશિયલ મીડિયા પર આવેલા એક વિડિયોમાં કાબુન્ડના પોલીસ ગાર્ડ્સ રાષ્ટ્રપતિ સુરક્ષા દળના સભ્યની રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કરતા જણાયા હતા તેના એક દિવસ પછી આ દરોડો પડાયો હતો. જોકે, ઘર્ષણ કેવી રીતે શરૂ થયું તે સ્પષ્ટ નથી.
લશ્કરના સત્તાવાળાઓએ પણ કોઈ ટિકા - ટિપ્પણી કરી નથી.
નિરીક્ષકોનું કહેવું છે કે કાબુન્ડનું રાજીનામુ પ્રમુખપદની ૨૦૨૩ની ચૂંટણી પહેલા ત્શિસેકેદી શાસિત સેક્રેડ યુનિયન ગઠબંધનમાં વધતી તિરાડોનો સંકેત છે.