કિન્હાસાઃ DR કોંગોમાં ગયા ગુરુવારે રમઝાનના અંતે પાટનગર કિન્હાસામાં પોલીસ સામેની હિંસામાં ભૂમિકા બદલ ૩૦ લોકોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોવાનું જ્યુડિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં પાંચ જણાને નિર્દોષ છોડી મૂકાયા હતા.
ગયા શુક્રવારે સાંજે ઉતાવળે હાથ ધરાયેલી ટ્રાયલમાં શનિવારે વહેલી સવારે આ ચુકાદો જાહેર કરાયો હતો. એક વકીલે આ સજાની પુષ્ટિ કરી હતી. આ લોકો પર ગુનાઈત સાંઠગાંઠ, બળવાખોરી, હુમલો તેમજ હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો. કોંગો દ્વારા ૨૦૦૩માં ફાંસી પર મોરેટોરિયમ લાગુ કરાયું હતું.
ગયા ગુરુવારે ઈદ - ઉલ – ફિત્રની નમાજ પઢવા માટે કિન્હાસાના મુખ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ એવા માર્ટ્યાર્સ સ્ટેડિયમની અંદર જવા માગતા મુસ્લિમ બિરાદરો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વિધિની દેખરેખ રાખી રહેલા પોલીસકર્મીઓ પર દેખાવકારોએ હુમલો કર્યો હતો જેમાં ડઝનબંધ પોલીસકર્મી ઘવાયા હતા. પ્રાથમિક સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું કે એક પોલીસ ઓફિસરનું મૃત્યુ થયું હતું અને સોશિયલ નેટવર્ક પર આ ઘટનાની તસવીરો ફરતી થઈ હતી.
સમગ્ર દિવસ દરમિયાન કેસની સુનાવણીનું પબ્લિક ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરાયું હતું જે શનિવારે વહેલી સવાર સુધી ચાલ્યું હતું. DR કોંગોની ઈસ્લામી કોમ્યુનિટી છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈસ્લામિક કોમ્યુનિટી ઓફ કોંગો (COMICO)માં બે હરીફ જૂથોને લીધે મુશ્કેલીનો અનુભવ કરી રહી છે. કોંગોની કુલ વસતિમાં મુસ્લિમોની વસતિ દસ ટકા છે અને તેઓ મુખ્યત્વે દેશના પૂર્વી પ્રાંતમાં રહે છે..