કિન્હાસાઃ પૂર્વ કોંગોમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી રીજિયોનલ ફોર્સીસના યુગાન્ડન લશ્કરી દળોએ M23 બળવાખોરોના હાથમાં રહેલા બુનાગાના શહેર પર કબજો મેળવી લીધો છે. શહેર પર કબજો લેવાની પ્રક્રિયામાં M23 બળવાખોરોએ સહકાર આપ્યો હોવાનું યુગાન્ડા આર્મીના પ્રવક્તા કેપ્ટન કાટો અહમદ હાસને જણાવ્યું હતું.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ની સરહદ પરનું આ વ્યૂહાત્મક શહેર નવ મહિના કરતાં વધુ સમયથી બળવાખોરોના કબજામાં હતું. પૂર્વ કોંગોની કટોકટીમાં મધ્યસ્થીના પ્રયાસમાં બળવાખોરો શહેર ખાલી કરે તેવી માગણી મુખ્ય હતી. પૂર્વ કોંગો વિસ્તારમાં 120થી વધુ સશસ્ત્ર ગ્રૂપ્સ ભૂમિ, સત્તા અને રિસોર્સીસ માટે તેમજ કેટલાક જૂથ પોતાની કોમ્યુનિટીઓના રક્ષણ માટે લડી રહ્યા છે. હજુ બળવાખોરોના કબજામાં રહેલા કિવાન્જા અને માબેન્ગા સહિતના વિસ્તારો ખાલી કરાવવા પ્રયાસ ચાલી રહ્યા છે.