નાઈરોબીઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) દ્વારા કેન્યાને 235.6 મિલિયન ડોલર અને ટાન્ઝાનિયાને 1 બિલિયન ડોલરની લોન આપવા સંમતિ અપાઈ છે.
IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે 18 જુલાઈ સોમવારે એક્સ્ટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી (ECF) અને એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) વ્યવસ્થા હેઠળ 38 મહિનામાં ત્રીજી વખતની સમીક્ષા પૂર્ણ કરી હતી. બોર્ડે કેન્યાને તત્કાળ 179.13 મિલિયન SDR (235.6 મિલિયન ડોલર) આપવા નિર્ણય જાહેર કર્યો હતો જેનો ઉપયોગ બજેટ સપોર્ટમાં કરી શકાશે. આ સાથે કેન્યાને કુલ બજેટ સપોર્ટ તરીકે વહેંચવાની રકમ 1,208.2 મિલિયન ડોલર મળી છે. કેન્યાને મળનારી કુલ SDR 1.655 બિલિયનની રકમ કોવિડ મહામારી સામે લડત, યુક્રેનમાં યુદ્ધના કારણે વૈશ્વિક આઘાતોમાંથી સર્જાયેલી તેના કરજની નિર્બળતામાં તેમજ વહીવટી સુધારણા અને વ્યાપક આર્થિક સુધારામાં મદદ કરશે.
દરમિયાન, IMFના બોર્ડે ટાન્ઝાનિયાને ECF વ્યવસ્થા હેઠળ SDR 795.58 મિલિયન (આશરે 1,046.4 મિલિયન ડોલર)ની લોનને મંજૂરી આપી છે જેમાંથી 151.7 મિલિયન ડોલર તાત્કાલિક આપવામાં આવશે.